IND vs AUS : ટેસ્ટ સીરિઝને અધવચ્ચે છોડી ભારત પરત ફરી રહ્યા છે કોચ ગંભીર
Image Source: Twitter
Gautam Gambhir: પર્થ ટેસ્ટ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમને બીજી ટેસ્ટ પહેલા ઝટકો લાગ્યો છે. માહિતી મળી રહી છે કે, ભારતીય કોચ ગૌતમ ગંભીર ભારત પરત ફરી રહ્યો છે. જો કે, ગંભીરના પરત ફરવાના કારણોનો ખુલાસો નથી થયો. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે, તેની પાછળનું કારણ અંગત છે. હવે સવાલ એ છે કે ગંભીરના ભારત પરત ફર્યા બાદ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાને કોચ કોણ રહેશે?
પિંક બોલ ટેસ્ટ પહેલા ટીમ સાથે જોડાશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ પિંક બોલ સાથે રમાશે. આ મેચ 6 થી 10 ડિસેમ્બર વચ્ચે એડિલેડમાં રમાશે. સારી વાત એ છે કે, ગૌતમ ગંભીર પિંક બોલ ટેસ્ટની શરૂઆત પહેલા ઓસ્ટ્રેલિયા પરત ફરશે અને ટીમ સાથે જોડાઈ જશે.
BCCIને ઈન્ફોર્મ કરી દીધું હતું
BCCI સાથે સબંધિત સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ગંભીરે ભારત ફરવા અંગે BCCIને જાણ કરી દીધી હતી. એ પણ જણાવ્યું કે, તેઓ બીજી ટેસ્ટ પહેલા ટીમને જોઈન કરી લેશે. તેમણે ભારત પરત ફરવાનું કારણ અંગત જણાવ્યું છે.
આ પણ વાંચો: IND vs AUS 1st Test | ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાનો 295 રને વિજય, બુમરાહ મેન ઓફ ધ મેચ
27 નવેમ્બરના રોજ પર્થથી કેનબરા જશે ટીમ
પર્થમાં પ્રથમ ટેસ્ટ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા હવે કેનબેરા જશે. તે 27 નવેમ્બરે કેનબેરા જવા રવાના થશે, જ્યાં તેણે બે દિવસીય પિંક બોલ પ્રેક્ટિસ મેચ રમવાની છે. આ મેચ શનિવારથી શરૂ થશે. ગૌતમ ગંભીરની ગેરહાજરીમાં ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફ જેમ કે આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર, બોલિંગ કોચ મોર્ને મોર્કેલ, ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ ટ્રેનિંગ સેશન પર નજર રાખશે.
રોહિત શર્મા પણ અંગત કારણોસર બહાર હતો
ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ અંગત કારણોસર ટીમ સાથે ઓસ્ટ્રેલિયા નથી પહોંચ્યા. આ કારણોસર તે પ્રથમ ટેસ્ટ માટે ઉપલબ્ધ નહોતો. રોહિતનું અંગત કારણ તેના બીજા બાળકના જન્મ સાથે સંકળાયેલું હતું. જો કે, હવે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો છે.