ઇંગ્લિશ ટીમને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાને થયો ફાયદો, ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ભારતની છલાંગ
રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 5 વિકેટથી હરાવ્યું હતું
બીજી ઈનિંગમાં રોહિત શર્મા અને શુભમન ગિલે ફિફ્ટી ફટકારી હતી
Image:Twitter |
ICC World Test Championship Points Table : ભારતે રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ્સ ટેબલ 2023-25માં મોટી છલાંગ લગાવી છે. રાંચી ટેસ્ટમાં જીત બાદ ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે આવી ગઈ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ચક્રમાં ભારતની આ પાંચમી જીત હતી. ભારતીય ટીમે અત્યાર સુધી 8 ટેસ્ટ રમી છે, જેમાં 2માં તેને હારનો સામનો કરવો પડ્યો હતો અને એક મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.
ન્યુઝીલેન્ડ ટોપ પર
ચોથી ટેસ્ટ મેચમાં જીત સાથે ભારતની જીતની ટકાવારી વધીને 64.58 થઈ ગઈ છે. જ્યારે ટેબલમાં ન્યુઝીલેન્ડ 75 ટકા સાથે ટોપ પર છે. જ્યારે ઓસ્ટ્રેલિયા 55.00 ટકા જીત સાથે ભારતથી નીચે ત્રીજા સ્થાને છે. જયારે બાંગ્લાદેશ 50 ટકા સાથે ચોથા સ્થાને અને પાકિસ્તાન 36.66 ટકા સાથે પાંચમા સ્થાને છે.
ભારતીય ટીમ ફરી એકવાર ફાઈનલ તરફ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના અત્યાર સુધી બે ચક્ર પૂર્ણ થઈ ચૂક્યા છે. આ ત્રીજું ચક્ર (2023-25) ચાલી રહ્યું છે. ભારતે અત્યાર સુધી યોજાયેલા બંને ચક્રમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમી છે. ભારતીય ટીમે 2019-21 ચક્રમાં ન્યુઝીલેન્ડ સામે અને 2021-23માં ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ મેચ રમી હતી. જો કે બંને વખત ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ફરી એકવાર ભારતીય ટીમ ફાઈનલ તરફ વધી રહી છે. ચક્રના અંતે ટેબલમાં પ્રથમ અને બીજા સ્થાને રહેલી ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાય છે.