ચેમ્પિયન્સ ટ્રોફી ભૂલી જાઓ, 24 કલાકમાં જ ભારત-પાકિસ્તાન આમને-સામને મેદાને ઉતરી તેવી શક્યતા
Image : Representative Image |
ind-vs-pak: ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર જોવા ચાહકો રાહ જોતા હોય છે. જ્યારે પણ ક્રિકેટની બે કટ્ટર હરિફ ટીમ વચ્ચે મેચ રમાઈ છે ત્યારે મેદાનમાં અને મેદાનની બહાર એક અલગ જ માહોલ બની જાય છે. મેન્સ T20 વર્લ્ડ કપ 2024 પૂરો થયા બાદ સવાલ એ હતો કે ભારત અને પાકિસ્તાન ક્યારે ટકરાશે? આંતરરાષ્ટ્રીય શિડ્યુલ પર નજર કરીએ તો એક તારીખ 6 ઓક્ટોબર અને બીજી તારીખ આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીની જણાય છે. જો કે 24 કલાકમાં જ ભારત પાકિસ્તાન આમને સામને મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે.
છેલ્લે બંને દેશોની ટક્કર T20 વર્લ્ડ કપમાં થઈ હતી
થોડા દિવસો પહેલા જ ભારત અને પાકિસ્તાન વચ્ચે USAની ધરતી પર T20 વર્લ્ડ કપમાં મેચ રમાઈ હતી. ત્યારે હવે 13 જુલાઈએ આ બે કટ્ટર હરીફો વચ્ચે બીજી મેચ થઈ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં રમાઈ શકે છે. જો કે મુકાબલો વર્તમાન ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે નહીં પરંતુ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં બંને દેશોના નિવૃત્ત ખેલાડીઓ વચ્ચે જોવા મળી શકે છે. જો કે આ પહેલા ભારતે અને પાકિસ્તાને પોત-પોતાની સેમિફાઈનલની મેચ જીતવી જરૂરી છે.
આ પણ વાંચો : 1000થી વધુ વિકેટો ઝડપી ચૂકેલા ધૂરંધર બોલરે કહ્યું - 'સચિન સામે બોલિંગ કરવી સૌથી અઘરી'
ભારત-પાક વચ્ચે ફાઈનલ રમાઈ શકે
જો પાકિસ્તાન અને ભારતની ટીમો આજે (12 જુલાઈ) નોર્થમ્પ્ટનમાં એક પછી એક રમાનારી બંને સેમિફાઈનલમાં પોતપોતાની મેચો જીતી લે છે, તો 13મી જુલાઈએ બર્મિંગહામમાં તેમની વચ્ચે ફાઈનલ જોવા મળી શકે છે. ભારતીય સમય અનુસાર સાંજે 5 વાગ્યે પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે જ્યારે રાત્રે 9 વાગ્યે ભારત અને ઓસ્ટ્રેલિયાની સેમિફાઇનલમાં ટક્કર થશે. નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડર મુજબ ભારત અને પાકિસ્તાન 6 ઓક્ટોબરે મહિલા T20 વર્લ્ડ કપમાં અને પછી આવતા વર્ષે યોજાનારી મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટકરાવાના છે. પરંતુ, આ મેચોના આયોજનમાં હજુ ઘણો સમય બાકી છે. ત્યારે જો વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની સેમીફાઈનલમાં ભારત અને પાકિસ્તાનની ટીમો પોતપોતાની મેચ જીતી જાય છે તો 13 જુલાઈની રાત ક્રિકેટ પ્રેમીઓ માટે રોમાંચથી ભરેલી હોઈ શકે છે.