ક્રિકેટ રસિયા માટે મોટો દિવસ, ભારત-પાકિસ્તાન વચ્ચે આજે ફાઈનલ, દિગ્ગજો થશે સામ-સામે
Image : Representative |
IND-C vs PAK-C WCL Final: ભારત સહિત એશિયાના મોટા ભાગના દેશોમાં ક્રિકેટની રમત સૌથી વધુ લોકપ્રિય છે. તેમાય ભારત અને પાકિસ્તાની ટક્કર જોવા ક્રિકેટ ચાહકો આતુર હોય છે. ક્રિકેટની બે હરીફ ટીમ વચ્ચે જ્યારે પણ મેચ રમાય છે ત્યારે ક્રિકેટનો રોમાંચ ચરમસીમાએ પહોંચી જાય છે. ત્યારે આજે ટ્રોફી જીતવા માટે ભારત અને પાકિસ્તાન (India Pakistan)ની ટીમ ફાઈનલ માટે કન્ફર્મ થઈ ગઈ છે. જો કે આ ફાઈનલ મેચ લિજેન્ડ્સની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારત ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સ ટીમ વચ્ચે રમાશે.
આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઈનલ
આ મેચ ભલે લિજેન્ડ્સ વચ્ચે રમાવાની હોય તેમ છતાં ક્રિકેટ ફેન્સ માટે આનાથી મોટો દિવસ કોઈ હોઈ જ ન શકે. આમ તો ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની મેજર ટુર્નામેન્ટમાં ભારતનું પલડું ભારે છે. ત્યારે જોવાનું રહેશે કે આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કઈ ટીમ બાજી મારશે. નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય શિડ્યુલ પર નજર કરીએ તો 6 ઓક્ટોબર અને આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર થવાની છે. જો કે એ પહેલા જ આજે ભારત પાકિસ્તાન ફાઈનલમાં આમને સામને મેદાનમાં ઉતરશે.
આ પણ વાંચો : ઈન્ટરવ્યૂ તો સારો કરે છે પણ.... ગંભીરના હેડ કોચ બનવા પર આફ્રિદીનું નિવેદન વાયરલ
ફાઈનલ મેચ બર્મિંગહામના મેદાનમાં રમાશે
ભારત ચેમ્પિયન અને પાકિસ્તાન ચેમ્પિયન વચ્ચે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024 (World Championship Of Legends 2024)ની ફાઈનલ મેચ બર્મિંગહામના મેદાનમાં રમાશે. આ ફાઈનલ મેચ સ્થાનિક સમય મુજબ સાંજે 4:30 વાગ્યે અને ભારતીય સમય અનુસાર રાત્રે 9 વાગ્યે શરૂ થશે. પાકિસ્તાને સેમીફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયનને 20 રનથી હરાવ્યું જ્યારે ભારતે ઓસ્ટ્રેલિયન ચેમ્પિયનને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતીય ટીમની કમાન યુવરાજ સિંહ (Yuvraj Singh)ના હાથમાં છે. જ્યારે યુનિસ ખાન (Younis Khan) પાકિસ્તાની ટીમનો કેપ્ટન છે.
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024 માટે બંને ટીમોની સ્ક્વૉડ:
ભારત ચેમ્પિયન ટીમઃ
રોબિન ઉથપ્પા, નમન ઓઝા (wk), સુરેશ રૈના, અંબાતી રાયડુ, યુવરાજ સિંહ (C), યૂસુફ પઠાણ, ઈરફાન પઠાણ, પવન નેગી, હરભજન સિંહ, વિનય કુમાર, રાહુલ શુક્લા, ધવલ કુલકર્ણી, સૌરભ તિવારી, અનુરિત સિંઘ, રાહુલ શર્મા, ગુરકીરત સિંહ માન, આર.પી. સિંહ
પાકિસ્તાન ચેમ્પિયન ટીમઃ
કામરાન અકમલ (wk), શરજીલ ખાન, સોહેબ મકસૂદ, શાહિદ આફ્રિદી, શોએબ મલિક, અબ્દુલ રઝાક, યુનિસ ખાન (C), મિસ્બાહ-ઉલ હક, આમિર યામીન, વહાબ રિયાઝ, સોહેલ ખાન, સઈદ અજમલ, ઉમર અકમલ, તનવીર અહેમદ, સોહેલ તનવીર, યાસિર અરાફાત, મોહમ્મદ હાફીઝ, તૌફિક ઉમર.