Get The App

ભારત T-20 માં 17 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયન .

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
ભારત T-20 માં 17 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયન               . 1 - image


રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે ૧૭ વર્ષના લાંબા ઈંતજારનો આખરે અંત આણતા ટ્વેન્ટી-૨૦ ક્રિકેટમાં ફરી વિશ્વવિજેતા તરીકેનો તાજ પાછો હાંસલ કર્યો હતો. ધોનીની કેપ્ટન્સીમાં ૨૦૦૭માં સૌપ્રથમ ટી-૨૦ વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતે ૧૭ વર્ષ અને સાત આવૃત્તિઓની ખોટને આખરે ભરપાઈ કરવામા સફળતા મેળવી હતી અને વિન્ડિઝ-અમેરિકામાં સંયુક્તપણે યોજાયેલા ટી-૨૦ વર્લ્ડ કપમાં વિશ્વવિજય મેળવ્યો હતો. બુુમરાહ ૧૫ વિકેટ ઝડપીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો. જ્યારે અર્ષદીપે ૧૭ વિકેટ મેળવી હતી અને રોહિતે ૨૫૭ રન ફટકાર્યા હતા. ભારતે આ સાથે ૧૧ વર્ષના લાંબા અંતરાલ બાદ આઈસીસી ટ્રોફી જીતી લીધી હતી. વર્ષ ૨૦૨૪માં ભારતે ટી-૨૦માં એક પણ મેચ હાર્યા વિના વિશ્વવિજય હાંસલ કર્યો હતો. જોકે ટેસ્ટમાં (બોક્સિંગ ડે ટેસ્ટ બાકી) કુલ ૧૪માથી ૮ ટેસ્ટ જીતી હતી અને પાંચમાં ભારતનો પરાજય થયો હતો. પ્રવાસી ન્યુઝીલેન્ડે ભારતનો ઘરઆંગણે ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ૩-૦થી વ્હાઈટવોશ કર્યો હતો,જે ભારતનો ૧૨ વર્ષ બાદ ઘરઆંગણે પહેલો ટેસ્ટ શ્રેણી પરાજય હતો. આ ઉપરાત ભારત તેના ઈતિહાસમાં પહેલીવાર ઘરઆંગણે ૩ ટેસ્ટની શ્રેણી ૦-૩થી હાર્યું હતુ. આખા વર્ષમાં ભારત માત્ર ત્રણ જ વન ડે રમ્યું અને એક પણ જીત વિના વર્ષ પુરું કર્યું. ભારત ત્રણમાંથી બે મેચ હાર્યું અને એક મેચ ટાઈ થઈ. ઓફિશિઅલ્સે છબરડો કરતા સુપર ઓવર પણ રમાડી નહતી.

રોહિત, કોહલી અને જાડેજાએ T-20I માંથી વિદાય લીધી

ભારતે ટી-૨૦ વર્લ્ડ કપ જીત્યો તેની સાથે જ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીની સાથે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી હતી. આ સાથે ભારતીય ક્રિકેટમાં પરિવર્તનનો પવન ફૂંકાવાનો શરુ થયો. ધોનીની આગેવાનીમાં ભારતે ૨૦૦૭માં ટી-૨૦ વર્લ્ડ કપ જીત્યો ત્યારથી કારકિર્દી શરુ કરનારા રોહિતે ૨૦૨૪માં કેપ્ટન તરીકે ટીમને બીજો વિશ્વકપ અપાવ્યા બાદ વિદાય લીધી. વિસ્ફોટક બેટ્સમેન તરીકેની ઓળખ ધરાવતા રોહિતે ટી-૨૦ ઈન્ટરનેશનલમાં સૌથી વધુ ૪૨૩૧ રન, સૌથી વધુ ૨૦૫ છગ્ગા, સૌથી વધુ પાંચ સદી અને સૌથી વધુ ૧૫૯ મેચના રેકોર્ડ સાથે નિવૃત્તિ લીધી. કોહલીએ ૧૪ વર્ષની ટી-૨૦ ઈન્ટરનેશનલ કારકિર્દીમાં ૪૧૮૮ રન સાથે સૌથી વધુ રન ફટકારવામાં ત્રીજા ક્મે રહીને નિવૃત્તિ લીધી. આ ઉપરાંત તેના નામે ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ ૩૮ અડધી સદી અને સૌથી વધુ ૭ પ્લેયર ઓફ ધ સિરીઝના એવોર્ડ પણ છે. જ્યારે ઓલરાઉન્ડર જાડેજાએ ૧૫ વર્ષની ૭૪ ટી-૨૦ ઈન્ટરનેશનલ કારકિર્દી દરમિયાન ૫૧૫ રન અને ૫૪ વિકેટના પ્રભાવશાળી કારકિર્દી સાથે વિદાય લીધી.

ક્રિકેટના મેદાનને અલવિદા...

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લા કેટલાક વર્ષોથી આગવી છાપ છોડનારા ધુરંધર ક્રિકેટરોની કારકિર્દી પણ આ વર્ષની સાથે ઈતિહાસ બની ગઈ છે. ભારતના દિગ્ગજ સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર આર. અશ્વિનને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટની પૂર્ણાહૂતિ સાથે તમામ પ્રકારના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી. ૩૮ વર્ષના અશ્વિને ૫૩૭ વિકેટ સાથે ટેસ્ટમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ ઝડપનારા કુમ્બલે પછીના બોલર તરીકેની સિદ્ધિ હાંસલ કરી હતી, આ ઉપરાંત તેણે ૩૫૦૦થી વધુ રન પણ ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયાના ધુરંધર ઓપનર ડેવિડ વોર્નરે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતુ. વોર્નરે ઘરઆંગણાની પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી બાદ ગૌરવભેર નિવૃત્તિ લીધી, પણ ટી-૨૦ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સુપર-એઈટમાંથી જ બહાર ફેંકાયું અને તેની નિવૃત્તિ ટીમની નિષ્ફળતામાં દબાઈ ગઈ. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર એન્ડરસને ૪૨ વર્ષની ઉંમરે ૭૦૪ ટેસ્ટ વિકેટ સાથે નિવૃત્તિ લીધી. તેણે ટેસ્ટ ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા ફાસ્ટર અને ઓવરઓલ ત્રીજા બોલર તરીકેનો રેકોર્ડ સર્જીને વિદાય લીધી. ન્યુઝિલેન્ડનાં ફાસ્ટર સાઉધીએ પણ ક્રિકેટનાં મેદાનમાંથી વિદાય લીધી હતી.

યશશ્વી ભવ : ભારતીય ક્રિકેટના ઉજ્જવળ ભાવિનો ચમકારો

રોહિત-કોહલીની કારકિર્દી અસ્તાચળે છે, ત્યારે ૨૨ વર્ષના યશશ્વી જયસ્વાલે તેના નામને સાર્થક કરતાં ભારતીય ક્રિકેટના ઉભરતા સિતારા તરીકેની પ્રતિભાનો ચમકારો દેખાડી દીધો છે. ટી-૨૦ના સ્ટાર તરીકે કારકિર્દી શરુ કરનારા જયસ્વાલ ૨૦૨૪માં વિક્રમોની વણઝાર સર્જી. તેણે ટેસ્ટમાં કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ૩૩ છગ્ગાનો મેક્કુલમનો ૧૦ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. આ ઉપરાંત તેણે ટેસ્ટમાં કેલેન્ડર વર્ષમાં સૌથી યુવા વયે ૧૦૦૦ રન પુરા કરવાનો દિલીપ વેંગસરકરનો ૪૫વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો છે. ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટની શ્રેણીમાં બે બેવડી સદી સાથે ૭૦૦થી વધુ રન ખડકીને રેકોર્ડ નોંધાવી દીધો હતો.

દ્રવિડને અલવિદા, ગંભીરને વેલકમ

ધીર-ગંભીર પ્રકૃતિ ધરાવતા દ્રવિડે ટી-૨૦માં ટીમ ઈન્ડિયાને વિશ્વવિજેતા બનાવીને કોચ તરીકે વિદાય લીધી હતી. એક ખેલાડી તરીકે વિશ્વવિજયનો સ્વાદ ન ચાખી શકેલા દ્રવિડની કોચ તરીકેની સિદ્ધિને તેના એક સમયના સાથીઓએ પણ બીરદાવી હતી. જ્યારે નવા કોચ ગંભીરની કારકિર્દીની શરુઆત ખાસ ઉત્સાહજનક રહી નહતી. ભારત શ્રીલંકા સામેની વન ડે શ્રેણી હાર્યું હતુ અને ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ૦-૩થી શરમજનક વ્હાઈટવોશની નાલેશીનો સામનો કરવો પડયો હતો. 

બુમરાહની બોલિંગનો દબદબો

અનોખી એક્શન અને ચતુરાઈભરી ખૂંખાર બોલિંગ માટે જાણીતા ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે તેની કેપ્ટન્સીનો કમાલ પણ દેખાડયો હતો. મેક્ગ્રા જેવા શાંત અંદાજ માટે જાણીતા બુમરાહે તેના સટીક અને ઘાતક યોર્કરની સાથે અસરકારક લાઈનલેન્થને સહારે ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર ફાસ્ટર તરીકે સૌથી વધુ ટેસ્ટ વિકેટ ઝડપવાનો કપિલનો ભારતીય રેકોર્ડ તોડયો હતો. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર ભારતને ટેસ્ટ વિજય અપાવનારા કેપ્ટન્સીની યાદીમાં પણ સ્થાન મેળવી લીધું. આ ઉપરાંત તે આઇસીસી ટેસ્ટ બોલર્સમાં નંબર વનનું સ્થાન મેળવનારો સૌપ્રથમ ભારતીય બન્યો અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૪૦૦ વિકેટના માઈલસ્ટોનને પણ હાંસલ કરનારા છઠ્ઠા ભારતીય બોલર તરીકેનો રેકોર્ડ સર્જ્યો. આ ઉપરાંત ટી-૨૦ વર્લ્ડ કપમાં ૧૫ વિકેટ ઝડપવાની સાથે ભારતના વિશ્વવિજયમાં પાયાની ભૂમિકા ભજવવા બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો.

અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની સફળતા

વર્ષ ૨૦૨૪માં અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશે જબરજસ્ત સફળતા મેળવીને દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું હતુ. અફઘાનિસ્તાને ટી-૨૦ વર્લ્ડ કપમા અપસેટની હારમાળા સર્જતાં ન્યુઝીલેન્ડ બાદ ઓસ્ટ્રેલિયા  તેમજ બાંગ્લાદેશને હરાવીને સેમિ ફાઈનલ સુધીની સફર ખેડીને સનસનાટી મચાવી. ટી-૨૦ વર્લ્ડ કપમાં સૌથી વધુ બાંગ્લાદેશે સૌપ્રથમ વખત પાકિસ્તાનની ભૂમિ પર ટેસ્ટ શ્રેણી વિજયની સિદ્ધિ મેળવીને ઈતિહાસ રચી દીધો. આ ઉપરાંત તેઓ વિન્ડિઝની ભૂમિ પર ૧૫ વર્ષમાં પહેલીવાર ટેસ્ટ જીતીને બે ટેસ્ટની શ્રેણી ૧-૧થી ડ્રો કરી હતી. 

કોલકાતા IPLમાં વિજેતા 

શ્રેયસ ઐયરના નેતૃત્વ હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે ૧૦ વર્ષ આઈપીએલમાં ચેમ્પિયન બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી. કોલકાતાએ ૨૦૧૨ અને ૨૦૧૪માં આઈપીએલ જીતી ત્યારે ગૌતમ ગંભીર કેપ્ટન હતો અને ૨૦૨૪માં તેની મેન્ટરશીપ હેઠળ ટીમે આ સફળતા મેળવી બતાવી.

મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ ચેમ્પિયન

ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમ સૌપ્રથમ વખત ટી-૨૦ વર્લ્ડ કપ જીતવાની સાથે આગવો ઈતિહાસ રચી દીધો હતો. ન્યુઝીલેન્ડની મહિલા ટીમ ઈતિહાસમાં પહેલીવાર ટી-૨૦ વર્લ્ડ કપ વિજય મેળવવામાં સફળ રહ્યું હતુ. 

શોકાંજલી..

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા ગુજરાતના ગૌરવ સમાન ક્રિકેટર પિતા-પુત્ર દત્તાજીરાવ ગાયકવાડ અને અંશુમન ગાયકવાડની ચિરવિદાય ક્રિકેટજગતને ગમગીન કરી ગઈ. દત્તાજીરાવ ગાયકવાડ ૧૯૫૨થી લઈને ૧૯૬૧ સુધી ભારત તરફથી ૧૧ ટેસ્ટ રમ્યા હતા. તેઓનું ૧૩મી ફેબ્રુઆરીના રોજ ૯૩ વર્ષની વયે અવસાન થયું હતુ. જ્યારે તેમના પુત્ર અંશુમાન ગાયકવાડ ૧૯૭૫થી ૧૯૮૭ સુધી ૪૦ ટેસ્ટ અને ૧૫ વન ડે રમ્યા હતા. તેઓએ વિન્ડિઝના ધુઆંધાર ફાસ્ટરોનો સામનો ઈજાગ્રસ્ત થવા છતાં કર્યો હતો. પાકિસ્તાન સામે ૧૯૮૨-૮૩ની સિઝનમાં રમાયેલી જાલંધર ટેસ્ટમાં તેમની ૬૭૧ મિનિટની ૨૦૧ રનની મેરેથોન ઈનિંગ ભારતીય ક્રિકેટમાં અમીટ સ્થાન ધરાવે છે. લોહીના કેન્સર સામે છેવટ સુધી સંઘર્ષ કરનારા અશુમને ૩૧મી જુલાઈએ ૭૧ વર્ષની વયે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું.


Google NewsGoogle News