ભારતે 112 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ઈંગ્લેન્ડને શ્રેણીમાં હરાવ્યું

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
ભારતે 112 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ઈંગ્લેન્ડને શ્રેણીમાં હરાવ્યું 1 - image


- ભારતે પ્રથમ ટેસ્ટ હાર્યા પછી સળંગ ચાર ટેસ્ટ જીતવાની સિધ્ધી મેળવી

- છેલ્લે 1912માં ઈંગ્લેન્ડે આવી રીતે ટેસ્ટ શ્રેણી જીતી હતી : ક્રિકેટ ઈતિહાસની ચોથી જ ઘટના, અશ્વીને તેની 100મી ટેસ્ટને યાદગાર બનાવતા 9 વિકેટ ઝડપી

- ભારતે આખરી ટેસ્ટમાં ત્રીજા જ દિવસે ઈંગ્લેન્ડને ઈનિંગ અને 64 રનથી હરાવ્યું

ધરમશાળા : ભારતે આજે ઈંગ્લેન્ડને પાંચમી અને આખરી ટેસ્ટમાં ત્રીજા જ દિવસે એક ઈનિંગ અને ૬૪ રનથી પરાજય આપીને ૪-૧થી ટેસ્ટ શ્રેણી જીતી લીધી છે. ભારત તેની પ્રથમ ટેસ્ટ હાર્યું હતું અને તે પછી સળંગ ચાર ટેસ્ટ જીત્યું છે. પાંચ ટેસ્ટની શ્રેણીમાં પ્રથમ ટેસ્ટ હાર્યા પછી ચાર ટેસ્ટ જીતવાની સિધ્ધી છેલ્લે છેક ૧૯૯૨માં ઈંગ્લેન્ડે મેળવી હતી. આમ ભારત ૧૧૨ રન પછી આવી સિધ્ધી મેળવનાર દેશ બન્યો છે. ક્રિકેટ ઈતિહાસ પર નજર નાંખીએ તો ૧૮૯૭-૧૮૯૮ અને તે પછી ૧૯૦૧-૧૯૦૨માં ઓસ્ટ્રેલિયા આ રીતે પાંચ ટેસ્ટની શ્રેણી જીત્યું હતું તે પછી ૧૯૧૨માં ઈંગ્લેન્ડ અને હવે ૧૧૨ વર્ષ પછી ભારત ૦-૧થી પાછળ રહ્યા બાદ ૪-૧થી જીત્યું છે. આખરી ટેસ્ટમાં ૨૫૯ની ખાધ બાદ ઈંગ્લેન્ડ ૧૯૫માં ઓલઆઉટ થઈ ઈનિંગ અને ૬૪ રનથી હાર્યું હતું.

ઈંગ્લેન્ડની આ હદની નાલેશીની ક્રિકેટ વિશ્વએ કલ્પના કરી નહોતી. ખાસ કરીને ઈંગ્લેન્ડની આક્રમક અભિગમ સાથેની શૈલી 'બાઝ બોલ' આ સાથે ફલોપ પૂરવાર થઈ છે.

ભારતની પાંચમી અને આખરી ટેસ્ટમાં આજના ત્રીજા દિવસની રમત જોઈએ તો ભારતે તેની બીજી ઈનિંગ ૮ વિકેટે ૪૭૩ રનથી આગળ ધપાવી હતી. અને ભારત ૪૭૭ રને ઓલઆઉટ થયું હતું. આમ ભારતે ૨૫૯ રનથી સરસાઈ મેળવી હતી.

આજે કુલદિપ યાદવની વિકેટ એન્ડરસને ઝડપી તે તેની ૭૦૦મી વિકેટ બની હતી. ક્રિકેટ ઈતિહાસનો તે સૌપ્રથમ ફાસ્ટ બોલર બન્યો જેણે ૭૦૦ વિકેટનું સીમાચિહન મેળવ્યું હોય.

ક્રિકેટ ચાહકોને એમ હતું કે ઈંગ્લેન્ડ વળતો જવાબ આપીને હારવા છતાં કમ સે કમ જોરદાર પ્રતિકાર કરશે કેમ કે પીચમાં ઈંગ્લેન્ડના બોલરોને તો કોઈ મદદ નહોતી મળી પણ અશ્વીન તેની કારકિર્દીની ૧૦૦મી ટેસ્ટને યાદગાર બનાવવાના મૂડમાં હતો.

બંને ઓપનરો ક્રાઉલી (૦) અને ડુકેટ્ટ (૨)ને તેણે તેની પ્રથમ અને ત્રીજી ઓવરમાં આઉટ કર્યો હતો.

કેપ્ટન રોહિત શર્માએ બુમરાહની સાથે સામે છેડે ઓપનિંગમાં અશ્વીનને જ ઉતાર્યો હતો અને જે વ્યુહરચના સફળ નીવડી હતી.

રૂટ (૮૪) ને બાદ કરતા ઈંગ્લેન્ડનો કોઈ બેટ્સમેન સ્પિનરો સામે સ્વસ્થ નહોતો જણાતો. ઈંગ્લેન્ડ તરફથી બીજા નંબરનો સૌથી વધુ સ્કોર તેની ૧૦૦મી ટેસ્ટ રમનાર બેરસ્ટો (૩૯)નો હતો.

સ્ટોક્સ (૨) અને ફોક્સ (૮)ને અશ્વીને બોલ્ડ કર્યા તે બ્યુટી બોલ કહી શકાય.

અશ્વીનના તરખાટ વચ્ચે રોહિત શર્માએ ફાસ્ટ બોલર બુમરાહનો બોલિંગ આપી અને તેની એક જ ઓવરમાં બીજા બોલે હાર્ટલી (૨૦) અને ચોથા બોલે વુડ (૦) બંનેને લેગબીફોર કર્યા હતા.

આમ તો ૧૦૩ રને જ પાંચ વિકેટ પડી જતા પરાજય નિશ્ચિત બની ગયો હતો. મેજિક કરી શકે તેવો સ્ટોક્સ પણ આઉટ થઈ ગયેલ.

કુલદિપ યાદવે ૨ અને જાડેજાએ ૧ વિકેટ ઝડપીને તેનું પણ વિજયમાં યોગદાન નોંધાવ્યું હતું.

આ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની જે ૨૦ વિકેટ પડી તેમાંથી ૧૮ વિકેટ સ્પિનરોએ ઝડપી હતી.

પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડને ૨૧૮ રનમાં ઓલઆઉટ કરતી કુલદિપ યાદવની પાંચ વિકેટ લેતી બોલિંગ ખૂબ જ ઉત્કૃષ્ટ દરજ્જાની હતી. તેણે ઈંગ્લેન્ડને સસ્તામાં ઓલ આઉટ કરીને ભારતને મોટી લીડ લેવાનું પ્લેટફોર્મ ખડુ કર્યું હતું. પ્લેયર ઓફ ધ સીરીઝ યશસ્વી જયસ્વાલ અને પ્લેયર ઓફ ધ મેચ કુલદિપ યાદવને જાહેર કરાયો હતો.

મેચ બાદ સ્ટોકસે કહ્યું હતું કે શ્રેણી હારવા છતાં કેટલાક હકારાત્મક પાસા સાથે લઈને પરત ફરીશું. કેપ્ટન રોહિત શર્માએ યુવા ક્રિકેટરોના પ્રદાનને બિરદાવી સ્પિનરોને દાદ આપી હતી.


Google NewsGoogle News