ભારત-ઓસ્ટ્રેલિયા ફરી એકબીજા સામે ટકરાશે, બંને ટીમ વચ્ચે યોજાશે ડે-નાઈટ ટેસ્ટ, જુઓ શેડ્યૂલ
India vs Australia Day-Night Test: ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ ફરી એકવાર એકબીજા સામે મેદાન પર ટકરાશે. ભારતીય ટીમ આગામી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે પહેલા ઓસ્ટ્રેલિયાના પ્રવાશે જશે. જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચો રમાવાની છે. ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની હોમ ટેસ્ટ સીરિઝ બાદ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચશે. જેની પહેલી ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી પર્થ, ઓસ્ટ્રેલિયામાં રમવામાં આવશે. આ પહેલા બંને ટીમો વચ્ચે 2 પિંક બોલ ડે-નાઈટ પ્રેક્ટીસ મેચ રમાશે.
ભારતીય ટીમ 30 નવેમ્બરથી કેનબેરાના મનુકા ઓવલ ખાતે પ્રાઈમ મિનીસ્ટર ઈલેવન સામે બે દિવસીય પિંક બોલ ડે-નાઈટ પ્રેક્ટિસ મેચ રમશે. ભારતીય ટીમને એડિલેડમાં ડે-નાઈટ ટેસ્ટ મેચની તૈયારીમાં મદદ કરવા માટે આ પ્રેક્ટિસ મેચ ઉમેરવામાં આવી છે. છેલ્લા 20 વર્ષમાં બંને ટીમો વચ્ચે આ પહેલી મેચ રમાશે. 20 વર્ષ પહેલા ભારત પ્રાઇમ મિનિસ્ટર ઇલેવન સામે મેચ રમયું હતું. ત્યારે પ્રાઇમ મિનિસ્ટર ઈલેવનની કેપ્ટનશીપ સ્ટીવ વો કરતો હતો, જયારે ભારતીય ટીમની કમાન રાહુલ દ્રવિડના હાથમાં હતી. તે સમયે, ઓસ્ટ્રેલિયા ટીમના વર્તમાન નેશનલ કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડને પણ પ્રાઇમ મિનિસ્ટર ઇલેવન ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.
ભારતીય ટીમે અત્યાર સુધીમાં ત્રણ પિંક બોલ ટેસ્ટ મેચ રમી છે. આ ત્રણ પિંક બોલ ટેસ્ટ મેચો ભારતે બાંગ્લાદેશ (2019), ઈંગ્લેન્ડ (2021) અને શ્રીલંકા (2022) સામે રમી હતી. જેમાં ત્રણેય મેચમાં ભારતીય ટીમ વિજેતા રહી હતી.