IND vs ZIM: આખરે વારો આવી ગયો! ચોથી T20માં ધોનીના વધુ એક ધુરંધરને ટીમમાં મળી તક
India vs Zimbabwe: ભારત અને ઝિમ્બાબ્વે (IND vs ZIM) વચ્ચેની ચોથી T20 મેચમાં કેપ્ટન શુભમન ગિલે (Shubman Gill) ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ આ શ્રેણીમાં સ્કવોડમાં સામેલ કરવામાં આવેલ ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેને (Tushar Deshpande) આ મેચમાં તક મળી છે. તુષાર IPLમાં મહેન્દ્ર સિંહ ધોનીની (MS Dhoni) કેપ્ટન્સી હેઠળ CSKની ટીમમાંથી રમી ચૂક્યો છે. છેલ્લી સિઝનમાં તેનું પ્રદર્શન પણ ઘણું સારું રહ્યું હતું. જોવાનું એ રહેશે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાને મળેલી તકનો તે ફાયદો ઉઠાવી શકે છે કે નહીં.
ટીમ ઈન્ડિયામાં વધુ એક ફાસ્ટરનું પદાર્પણ
તુષાર દેશપાંડેને ટી-20 ક્રિકેટની કેપ મળવા સાથે જ ભારતને વધુ એક ફાસ્ટ બોલર મળી ગયો છે. ટીમમાં તુષાર દેશપાંડે સિવાય હાલ મુકેશ કુમાર, આવેશ ખાન, ખલીલ અહેમદ જેવા યુવા ફાસ્ટ બોલર્સ રમી રહ્યા છે. અગાઉ ભારત નટરાજન અને ઉમરાન મલિક જેવા ફાસ્ટ બોલર્સને તક આપી ચૂક્યું છે. અર્શદીપ સિંહે તો ટી-20 વર્લ્ડકપમાં પણ શાનદાર દેખાવ કરીને ટીમમાં લગભગ જગ્યા બનાવી લીધી છે. આમ ભારત હવે શમી અને ભુવનેશ્વર કુમાર જેવા દિગ્ગજ ફાસ્ટ બોલર્સના વિકલ્પો ઊભા કરી રહ્યું છે. ફાસ્ટ બોલર્સ ઇજાના કારણે ઘણી વખત ટીમમાં આવ જા કરતાં હોય છે. માટે ક્વોલિટી ફાસ્ટ બોલરની ટીમને હંમેશા કમી રહેતી હોય છે. અપેક્ષા છે કે તુષાર દેશપાંડે ટીમની જરૂરિયાતો પૂરી કરી શકશે.
ટીમમાં ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સના ત્રણ ખેલાડીઓ રમી રહ્યા છે. શિવમ દુબે ઑલરાઉન્ડર તરીકે જ્યારે બેટર તરીકે ઋતુરાજ ગાયકવાડ ભારતીય ક્રિકેટ ટીમમાં રમી રહ્યા છે. આમ ત્રણેય IPLમાં ધોનીની કેપ્ટન્સીમાં રમેલ ખેલાડીઓ ભારતીય ટીમમાં જગ્યા બનાવી ચૂક્યા છે.
ટીમો:
ઝિમ્બાબ્વે (પ્લેઈંગ ઈલેવન): વેસ્લી માધવેરે, તદીવાનાશે મારુમાની, બ્રાયન બેનેટ, ડીયોન માયર્સ, સિકંદર રઝા (કેપ્ટન), જોનાથન કેમ્પબેલ, ફરાઝ અકરમ, ક્લાઈવ મદાન્ડે (વિકેટકીપર), રિચાર્ડ નગારાવા, બ્લેસિંગ મુઝારાબાની, ટેન્ડાઈ ચતારા
ભારત (પ્લેઈંગ ઈલેવન): યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ (કેપ્ટન), અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, તુષાર દેશપાંડે, ખલીલ અહેમદ