ટીમ ઈન્ડિયા માટે રમવાની ઉત્સુકતામાં પાસપોર્ટ-મોબાઈલ ભૂલ્યો આ તોફાની બેટર, BCCIએ વીડિયો શેર કર્યો
IND vs ZIM: ICC T20 વર્લ્ડ કપ 2024 પૂરો થતા જ કેટલાક નવા ચહેરાઓ આ ફોર્મેટમાં પ્રવેશ્યા છે. ટી20 વર્લ્ડ કપ 2024 પછી, ભારતીય ટીમ ઝિમ્બાબ્વેમાં શુભમન ગિલની કેપ્ટન્સીમાં પાંચ મેચોની ટી20 ઇન્ટરનેશનલ સિરીઝ રમશે. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા જેવા વરિષ્ઠ ખેલાડીઓએ ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્રણેય હવે ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્ત થઈ ગયા છે.
BCCIએ એક વીડિયો શેર કર્યો
ત્યારે હવે ખૂબ જ યુવા ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ છે. રિયાન પરાગ, અભિષેક શર્માને પ્રથમ વખત ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. રિયાન પરાગ ટીમ ઈન્ડિયા તરફથી રમવાને લઈને એટલો ઉત્સાહિત હતો કે તે પોતાનો પાસપોર્ટ અને મોબાઈલ ફોન પણ ભૂલી ગયો હતો. જેનો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક વીડિયો શેર કર્યો છે, જેમાં અભિષેક શર્મા અને રિયાન પરાગે ટીમ ઈન્ડિયા સાથે પ્રવાસ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે.
રિયાન પરાગ પાસપોર્ટ અને મોબાઈલ ભૂલી ગયો
રિયાન પરાગે બીસીસીઆઈ ટીવી પર કહ્યું, 'આ રીતે મુસાફરી કરવાનું મારું બાળપણનું સપનું હતું. અમે મેચ રમીએ છીએ, પરંતુ એવી સાથે જે એવી બાબતો આવે છે, જેમકે ટીમ સાથે ટ્રાવેલ કરવું, ઇન્ડિયાની જર્સી પહેરીને જવું, એ બધું મારા માટે એટલું રોમાંચક હતું કે હું મારો પાસપોર્ટ અને મોબાઈલ ફોન ભૂલી ગયો, આમ તો હું ભૂલી નથી ગયો, મેં બંનેને ક્યાંક રાખ્યા છે અને હવે મારી પાસે બંને છે.'
મને હંમેશા ઝિમ્બાબ્વે યાદ આવશે
રિયાને આગળ કહ્યું, 'ઘણા નવા ચહેરા છે, પરંતુ મારા માટે જૂના છે કારણ કે અમે સાથે ઘણું રમ્યા છીએ. એક નાનકડો છોકરો નાનપણથી આ સપનું જોતો હતો, જે હવે સાકાર થયું છે. જેની મને ખુશી છે. હવે જયારે પણ હું કોઈપણ મેદાન પર મારી પ્રથમ મેચ રમીશ ત્યારે મને હંમેશા ઝિમ્બાબ્વે યાદ આવશે. ટીમ ઈન્ડિયાએ 6 જુલાઈથી 14 જુલાઈ વચ્ચે ઝિમ્બાબ્વેમાં પાંચ ટી20 ઈન્ટરનેશનલ મેચ રમવાની છે.