IND vs SL: ભારતની સૌથી મોટી નબળાઈ છતી થઈ ગઈ પણ કૅપ્ટન રોહિતે કહ્યું, હું તો આવું જ રમીશ

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
rohit sharma virat kohli indian cricket team


IND VS SL: રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા સામેની બીજી વનડે હારી ગઈ છે. આ હાર સાથે ભારતે આ સિરીઝ જીતવાની તક પણ ગુમાવી દીધી છે. શ્રેણીની પ્રથમ વનડે ટાઇ રહી હતી. બીજી વન-ડેમાં લો સ્કોરિંગ મેચમાં ભારતનો પરાજય થયો હતો. ટીમ ઇન્ડિયા ત્રીજી વનડે જીતીને સિરીઝમાં બરાબરી કરી શકે છે પરંતુ સિરીઝ જીતી શકે એમ નથી.

દેખીતી રીતે જ આ મેચમાં હાર બાદ કૅપ્ટન રોહિત શર્મા ઘણો નિરાશ દેખાઈ રહ્યો હતો. રોહિતે કહ્યું હતું કે, 'મેં જે રીતે બેટિંગ કરી તેના કારણે હું 64 રન બનાવી શક્યો. હું મારા ઇરાદા સાથે (ઇન્ટેન્ટ) સમાધાન કરવા માંગતો નથી.' રોહિતે પ્રથમ અને બીજી બન્ને વન-ડેમાં અર્ધી સદી ફટકારી હતી. બીજી મેચમાં કૅપ્ટને 44 બોલમાં 64 રનની ઇનિંગ રમી હતી.

હારને દુઃખદ ગણાવતા રોહિત શર્માએ કહ્યું કે વચ્ચેની ઓવરોમાં બેટ્સમેનો જે રીતે રમે છે તેના પર ટીમ મિટિંગમાં ચર્ચા થશે. 241 રનના લક્ષ્‍યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ લેગ સ્પિનર વેન્ડરસેની કાતિલ બોલિંગ અને 6 વિકેટના કારણે 208 રનમાં સમેટાઈ ગઈ હતી, જેણે ફરી એકવાર સ્પિન સામે ટીમની બેટિંગની નબળાઈને છતી કરી હતી. રોહિતે મેચ બાદ કહ્યું હતું કે, 'જ્યારે તમે મેચ હારી જાઓ છો, ત્યારે દુઃખ થાય છે. વાત માત્ર તે 10 ઓવરની નથી જેમાં ભારતે 50 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. તમારે સતત સારું ક્રિકેટ રમવું પડશે અને અમે એવું કરવામાં નિષ્ફળ ગયા. થોડી નિરાશા છે, પરંતુ રમતમાં આવી ઘટનાઓ બનતી રહે છે.'

રોહિતે કહ્યું હતું કે, 'મેં જે રીતે બેટિંગ કરી તેના કારણે હું 64 રન બનાવી શક્યો. આ રીતે બેટિંગ કરતી વખતે મારે જોખમ લેવું પડે છે. જો તમે લાઇન ક્રોસ નહીં કરી શકો તો તમે નિરાશ થશો. હું મારા ઇન્ટેન્ટ સાથે સમાધાન કરવા માંગતો નથી. અમે જે રીતે રમ્યા તેના પર વધુ ધ્યાન આપવા માંગતા નથી. પરંતુ મિડલ ઓવર્સમાં અમારી બેટિંગ વિશે ચર્ચા થશે. તમારે તમારી જાતને પીચ પ્રમાણે અનુકૂળ કરવી પડશે. અમને લાગ્યું કે રાઇટી લેફ્ટી કોમ્બિનેશન સાથે, સ્ટ્રાઈક રોટેટ કરતાં રહીશું. પરંતુ શ્રેય વેન્ડરસેનને જાય છે, તેણે છ વિકેટ ઝડપી અને સારી બોલિંગ કરી બતાવી.'


Google NewsGoogle News