IND vs SA : ટેસ્ટ મેચમાં હારના મુખ્ય 5 કારણો, રોહિત શર્માનું ખરાબ ફોર્મ અને પછી...
સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકા સામે રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ એકતરફી હારી ગઈ હતી
જાણીએ આ હારના પાંચ મોટા કારણો
IND vs SA 1st Test: ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી પણ જીતી શકશે નહીં, તેની પાછળનું કારણ એ છે ભારતીય ટીમ માત્ર 2 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ હારી ગઈ છે. આ સિરીઝ માત્ર બે મેચની જ હોવાથી જો ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચ જીતશે તો પણ સિરીઝ ડ્રો થઈ જશે, અને ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ હારી ગઈ છે.
આ ટેસ્ટ મેચ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયન મેદાન પર રમાઈ હતી. જેમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં તેણે ભારતને માત્ર 245 રનમાં જ આઉટ કરી દીધું હતું અને સાઉથ આફ્રિકાની ટીમે 408 રન બનાવ્યા હતા. એકલા ડીન એલ્ગરલ 185 રનની ઇનિંગ રમીને પ્લેયર ઓફ ધ મેચ બન્યા. જયારે ટીમ ઈન્ડિયા બીજા દાવમાં માત્ર 131 રન જ બનાવી શકી હતી અને એક ઈનિંગ અને 32 રનથી મેચ હારી ગઈ હતી. બે ઈનિંગ્સમાં પણ ભારતીય ટીમ એક દાવમાં સાઉથ આફ્રિકા જેટલો સ્કોર કરી શકી નથી એટલે એવું પણ કહી શકાય કે ટીમ ઈન્ડિયા માટે આ એકતરફી હાર છે. ભારતની આવી હારના 5 મોટા કારણ જોઈએ.
1. રોહિત શર્માનું નબળું પરફોર્મન્સ
ટીમ ઈન્ડિયાની હારનું સૌથી મોટું કારણ રોહિત શર્માનું ખરાબ ફોર્મ રહ્યું છે. રોહિત શર્મા ઓપનિંગ બેટિંગ કરે છે, પરંતુ સેન્ચુરિયન ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં માત્ર 5 અને બીજી ઇનિંગમાં 0 રનમાં આઉટ થયો હતો. આનાથી ટીમ ઈન્ડિયાના બાકીના બેટ્સમેનો પર ઘણું દબાણ આવ્યું કારણ કે ટેસ્ટ ક્રિકેટનો વધુ અનુભવ ન ધરાવતા જયસ્વાલ અને શુભમન ગિલ જેવા યુવા બેટ્સમેનને ટેસ્ટ ક્રિકેટનો વધુ અનુભવ નથી.
2. ટોપ ઓર્ડર યુવાનો પર આધાર રાખે છે
ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરમાં બે યુવા બેટ્સમેન છે. પોતાની બીજી ટેસ્ટ સિરીઝ રમી રહેલો યશસ્વી જયસ્વાલ રોહિત શર્મા સાથે ઓપનિંગ કરે છે. જેને ટેસ્ટ ફોર્મેટનો વધુ અનુભવ નથી તેવા શુભમન ગિલ નંબર-3 પર બેટિંગ કરે છે. તેમજ ભારતની બહાર ઘણી ટેસ્ટ મેચ નથી રમી એવો શ્રેયસ અય્યર પણ નંબર-5 પર રમ્યો હતો. આવી સ્થિતિમાં, ભારતીય બેટિંગ ઓર્ડરમાં અનુભવનો એકંદર અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, અને ટીમમાં પૂજારા અને રહાણે જેવા નિષ્ણાત ટેસ્ટ ખેલાડીઓની પણ કમી હતી.
3. મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાનું ફિટ ન હોવું
ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમના બે ખૂબ જ અનુભવી અને મહત્વપૂર્ણ ખેલાડી, મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે આ મેચમાં રમી શક્યા ન હતા. શમી તેની ઝડપી બોલિંગથી કોઈપણ પિચ પર ગમે ત્યારે મેચ બદલી શકે છે અને શમી વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં હતો. બીજી તરફ રવિન્દ્ર જાડેજા પોતાની બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગથી મેચને પલટાવવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ તેની જગ્યાએ રમી રહેલા રવિચંદ્રન અશ્વિન પાસેથી બોલિંગ સિવાય કંઈ ખાસ અપેક્ષા રાખી શકાય નહીં. પીચમાંથી મદદ ન મળવાને કારણે અશ્વિનની બોલિંગ પાસેથી અપેક્ષાઓ રાખી શકાતી નથી, પરંતુ તેની ફિલ્ડિંગ અને બેટિંગની તુલનામાં જાડેજા ટીમમાં વધુ સારું યોગદાન આપી શક્યો હોત. આથી આ બે મોટા ખેલાડીઓની ફિટનેસ પણ ટીમ ઈન્ડિયાની હારનું મુખ્ય કારણ હતું.
4. ખરાબ ફિલ્ડિંગ
સેન્ચુરિયન ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ પણ મેચ જીતવા જેવી ન હતી. ટીમ ઈન્ડિયાના ફિલ્ડરોને જોઈને એવું લાગી રહ્યું હતું કે બધા ખૂબ જ થાકેલા છે અને તેમને જીતની કોઈ આશા નથી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 108 ઓવર ફિલ્ડ કરી હતી પરંતુ શરૂઆતની કેટલીક ઓવર સિવાય ટીમના ફિલ્ડરો આખી ઈનિંગ દરમિયાન થાકેલા દેખાયા હતા.
5. શાર્દુલ અને પ્રસિદ્ધનું ખરાબ પ્રદર્શન
સેન્ચુરિયન પિચ પર ભારતીય બોલરોએ 10 વિકેટ લેવા માટે 408 રન ખર્ચ્યા, જ્યારે સાઉથ આફ્રિકાના બોલરોએ એ જ પિચ પર 376 રન ખર્ચ્યા હતા અને ભારતની 20 વિકેટો લીધી હતી. આનાથી સ્પષ્ટ થાય છે કે ભારતીય બોલરો સારી બોલિંગ કરી શક્યા નથી. બુમરાહ સિવાય કોઈ પણ બોલરની બોલિંગમાં વિકેટ લેવાની ક્ષમતા ન હતી. પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમનાર પ્રસિદ્ધ કૃષ્ણ માટે ડેબ્યૂ મેચ બિલકુલ સારી ન હતી. શાર્દુલે 101 રન આપીને માત્ર એક વિકેટ લીધી, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ 93 રન આપીને માત્ર એક વિકેટ લીધી. મતલબ કે માત્ર આ બોલરોએ 39 ઓવરમાં 194 રન આપ્યા હતા, જે ODI ફોર્મેટમાં પણ સારો સ્કોર માનવામાં આવે છે.