ફાઈનલમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો ખતરો 'હનુમાન ભક્ત', રોહિત બ્રિગેડે સાચવીને રમવું પડશે!
Image : IANS |
T20 World Cup 2024: T20 વર્લ્ડ કપ-2024ની ફાઈનલ મેચમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટક્કર થશે. આ મેચમાં તમામની નજર દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલિંગ આક્રમણ પર રહેશે અને ભારતીય ટીમ પણ તેની સામે તૈયારી કરશે, પરંતુ એક બોલરને અવગણવો ભારત માટે મોંઘો સાબિત થઈ શકે છે અને આ બોલર ભગવાન રામ અને હનુમાનનો ભક્ત છે. આ ખેલાડી ફાઇનલમાં ભારતને મુશ્કેલીમાં મૂકી શકે છે.
આજે ભારત અને આફ્રિકા વચ્ચે ખરાખરીનો જંગ
અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની યજમાનીમાં T20 વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. જેની ફાઈનલ મેચ આજે ભારત અને આફ્રિકા વચ્ચે રમાશે. ભારત 17 વર્ષ પહેલા 2007માં ધોનીની આગેવાનીમાં પ્રથમ વખત ચેમ્પિયન બન્યું હતું. ત્યારે હવે ભારતને 17 વર્ષ બાદ ફરી એક વખત ખિતાબ જીતવાની તક છે. તો આફ્રિકા પણ પહેલીવાર T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. ત્યારે બંને વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. ફાઈનલમાં આફ્રિકાના બોલર સામે ભારતીય બેટરની આકરી કસોટી થશે.
આ પણ વાંચો : T20 વર્લ્ડ કપ ફાઇનલ મેચમાં આ ત્રણ સૌથી મોટા પડકાર રોહિત સેના માટે બનશે ખતરો
આફ્રિકાની તાકાત ફાસ્ટ બોલિંગ
આફ્રિકાની તાકાત ફાસ્ટ બોલિંગ છે. ટીમમાં કાગીસો રબાડા, એનરિક નોરખિયા, માર્કો યાનસેન જેવા બોલર છે. જેના આધારે દક્ષિણ આફ્રિકાએ ફાઈનલ સુધીની પોતાની સફર નક્કી કરી છે. ફાઇનલમાં પણ તમામની નજર તેમના પર રહેશે. પરંતુ એક એવો બોલર છે જે ફાઈનલ મેચોમાં ભારતનું કામ બગાડી શકે છે. જો ભારતીય ટીમ આ બોલર પર ધ્યાન નહીં આપે તો તેનું 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીતવાનું સપનું ચકનાચૂર થઈ શકે છે. આ બોલર છે દક્ષિણ આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજ છે. જે ભગવાન રામ અને હનુમાનના ભક્ત પણ છે. આ વાત તેણે પોતાના ઈન્સ્ટા બાયોમાં જણાવી છે. આ હનુમાન ભક્ત શનિવારે ભારતને ચેમ્પિયન બનતા અટકાવી શકે છે.
આ પણ વાંચો...: T20 વર્લ્ડકપ ફાઈનલમાં કોણ જીતશે? પોપટે કરી ભવિષ્યવાણી, સેમિ ફાઈનલમાં આગાહી સાચી ઠરી હતી
વેસ્ટ ઈન્ડિઝની પીચો સ્પિનરો માટે મદદરૂપ
આ પાછળ કેટલાક કારણો છે. જેમાં પહેલું કારણ એ છે કે વેસ્ટ ઈન્ડિઝની પીચો સ્પિનરો માટે મદદરૂપ છે. સ્પિનરોએ અહીં સારું પ્રદર્શન કર્યું છે અને મહારાજ એક ઉત્તમ સ્પિનર છે જે શ્રેષ્ઠ બેટરોને પણ મુશ્કેલીમાં મુકવાની શક્તિ ધરાવે છે. બીજું કારણ એ છે કે મહારાજે ભારત સામે T20માં શાનદાર પ્રદર્શન કર્યું છે. અને તે વર્તમાન સાઉથ આફ્રિકન ટીમમાં ભારત સામે T20માં 10 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે.
વર્લ્ડ કપ 2024માં આવું રહ્યું છે પ્રદર્શન
મહારાજે આ વર્લ્ડ કપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધી સાત મેચ રમી છે અને નવ વિકેટ ઝડપી છે. ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાની ટીમને તેની પાસેથી ઘણી અપેક્ષાઓ હશે કારણ કે વેસ્ટ ઈન્ડિઝમાં સ્પિનરોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. દક્ષિણ આફ્રિકાની ટીમ આશા રાખશે કે મહારાજ તેમને ટીમ ઈન્ડિયા માટે મોટી વિકેટ અપાવશે. ભારતીય ટીમને પણ મહારાજ સામે સાચવીને રમવું પડશે. ઉલ્લેખનીય છે કે ભારત T20 વર્લ્ડ કપ 2014ની ફાઈનલમાં પહોચ્યું હતું જો કે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે ભારત પાસે ફરી એક વખત વિશ્વ વિજેતા બનવાની સૌનેરી તક છે.