Get The App

IND vs SA: સૂર્યકુમારે કરી મોટી ભૂલ, હીરોથી ઝીરો બન્યો હાર્દિક, ટીમ ઈન્ડિયાનો વિજયરથ આ કારણે અટક્યો

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
IND vs SA: સૂર્યકુમારે કરી મોટી ભૂલ, હીરોથી ઝીરો બન્યો હાર્દિક, ટીમ ઈન્ડિયાનો વિજયરથ આ કારણે અટક્યો 1 - image


India Vs South Africa 2nd T20 Highlights: સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીમાં ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકા સામે તેના જ ઘર આંગણે 4 મેચોની ટી20 સીરિઝ રમી રહી છે. સીરિઝની બીજી મેચ રવિવારે ગકેબરહામાં રમાઈ હતી, જેમાં સાઉથ આફ્રિકાની ટીમે 3 વિકેટે જીત હાંસલ કરી લીધી હતી. આમ બંને ટીમો સીરિઝમાં 1-1થી બરાબરી પર આવી ગઈ છે.

મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 125 રનનો એકદમ સરળ ટાર્ગેટ સેટ કર્યો હતો. જવાબમાં સાઉથ આફ્રિકાએ 19 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 128 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ દરમિયાન ભારતીય સ્પિનર ​​વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ ઝડપી હતી, તેમ છતાં ભારતીય ટીમ જીત હાંસલ નહોતી કરી શકી. 

છેલ્લી બે ઓવરમાં પંડ્યાએ બનાવ્યા માત્ર 9 રન

તેનું મોટું કારણ સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને કેપ્ટન સૂર્યકુમાર યાદવની કેટલીક મોટી ભૂલો છે. આ ભૂલના કારણે ટીમ ઈન્ડિયાનો વિજયરથ એટકી ગયો. જેમ કે, પંડ્યાએ બેટિંગમાં મોટી ભૂલ કરી હતી. આ મેચમાં ભારતીય ટીમે માત્ર 15 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ટીમે બાજી સંભાળતા 18 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 115 રન બનાવી લીધા હતા.

આ પણ વાંચો: હું જવાબદાર છું, ન્યૂઝીલેન્ડ સામે હાર એક નિરાશાજનક અનુભવ : ભારતનો દિગ્ગજ બોલર

પરંતુ છેલ્લી બે ઓવરમાં સ્ટ્રાઈક પર હોવા છતાં પંડ્યા માત્ર 9 રન જ બનાવી શક્યો હતો. આ જ હારનું એક મોટું કારણ છે. પંડ્યાએ ઘણી વખત સિંગલ રન ન લીધા અને અર્શદીપ સિંહને સ્ટ્રાઈક ન આપી. જ્યારે અર્શદીપે એક છગ્ગો ફટકારીને 6 બોલમાં 7 રન બનાવ્યા હતા.

છેલ્લી ઓવરમાં તો પંડ્યાએ પ્રથમ 4 બોલ ખાલી જ જવા દીધા હતા. જો કે, છેલ્લા 2 બોલમાં એક ચોગ્ગો ફટકારીને કુલ 6 રન બનાવ્યા હતા. પરંતુ જો પંડ્યા છેલ્લી બે ઓવરમાં બરાબર સ્ટ્રાઈક રોટેટ કરી હોત તો કદાચ 10-15 વધુ રન બની શક્યા હોત. જે જીતમાં મહત્વની ભૂમિકા ભજવી શક્યા હોત. આમ પંડ્યા હીરોમાંથી ઝીરો બની ગયો. બીજી તરફ દક્ષિણ આફ્રિકાના ટ્રિસ્ટન સ્ટબ્સે બોલર ગેરાલ્ડ કોએત્ઝીને બરાબર સ્ટ્રાઈક આપી હતી. તેના પરિણામે ગેરાલ્ડે 9 બોલમાં 19 રન બનાવ્યા હતા.

બીજી મોટી ભૂલ કેપ્ટન સૂર્યકુમારે કરી

125 રનનો ટાર્ગેટ આપ્યા બાદ સ્ટાર સ્પિનર ​​વરુણ ચક્રવર્તીએ પોતાનો કહેર વરસાવી દીધો હતો અને 17 રનમાં 5 વિકેટ ઝડપીને સાઉથ આફ્રિકાની ટીમની કમર તોડી નાખી હતી. જેના કારણે આફ્રિકાની ટીમે માત્ર 86 રનમાં જ 7 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ તેને જીતવા માટે 26 બોલમાં 39 રનની જરૂર હતી. જ્યારે તેની માત્ર 3 વિકેટ બાકી હતી. આ ઈનિંગ દરમિયાન સૂર્યાએ એક મોટી ભૂલ કરી હતી, જેના કારણે મેચ હાથમાંથી નીકળી ગઈ. વાસ્તવમાં 10મી ઓવર અક્ષર પટેલે ફેંકી હતી. તેણે આ એક ઓવરમાં માત્ર 2 રન આપ્યા હતા. ત્યારબાદ સૂર્યાએ તેનો ઓવર ન આપી. ઈનિંગ્સની 13મી ઓવર મેચમાં વરુણની છેલ્લી ઓવર રહી હતી. અહીં સુધી આફ્રિકાએ 6 વિકેટ પર 67 રન બનાવી લીધા હતા.

અહીંથી સૂર્યા ઈચ્છતો હતો કે રવિ વિશ્નોઈની સાથે અક્ષર બોલિંગ કરે અને સ્પિન પિચનો પૂરો ફાયદો ઉઠાવવામાં આવે. પરંતુ એવું ન થઈ શક્યું. સૂર્યાએ 14મી અને 16મી ઓવર વિશ્નોઈને પાસે કરાવી. જ્યારે બીજા છેડે ફાસ્ટ બોલરો લગાવી દીધા હતા. આ જ ભૂલ ભારી પડી ગઈ. જો બીજા છેડે અથવા અક્ષર પાસે 1-2 ઓવર વધુ કરાવી હોત તો કદાચ મેચનું પરિણામ અલગ આવી શક્યું હોત. જ્યારે વિશ્નોઈએ 16મી ઓવરમાં 7મી વિકેટ ઝડપી લીધી હતી.

17મી ઓવરમાં અર્શદીપ અને 18મી ઓવરમાં આવેશે 12-12 રન આપ્યા હતા. જ્યારે 19મી ઓવરમાં અર્શદીપે 16 રન આપીને મેચ ગુમાવી દીધી. જો અક્ષરને 15મી અને 17મી ઓવર આપવામાં આવી હોત તો 1-2 વિકેટ લેવાની અપેક્ષા રહેતી. પરંતુ આવું ન થયું.


Google NewsGoogle News