શું રોહિત શર્મા આગામી T20 વર્લ્ડકપ રમશે ? જાણો હિટમેને શું કહ્યું
પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ T20 World Cup 2024ને લઈને સંકેતો આપ્યા હતા
હું ઈચ્છું છું કે ખેલાડીઓ શક્ય તેટલી વધુ ટેસ્ટ રમે - રોહિત શર્મા
image:File Photo |
Rohit Sharma Press Conference : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આવતીકાલથી 2 ટેસ્ટ મેચની સિરીઝનું પ્રારંભ થશે. ભારતીય ટીમની કમાન ફરી એકવાર રોહિત શર્મા સંભાળશે. ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ પહેલા ભારતીય કેપ્ટને પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં તેણે આવતા વર્ષે રમાનાર T20 World Cup 2024ને લઈને પણ કેટલાંક સંકેતો આપ્યા હતા. આ પહેલા મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે રોહિત આગામી T20 World Cupમાં ભારતીય ટીમનો ભાગ નહીં હોય.
રોહિત શર્માએ વર્લ્ડ કપમાં મળેલી હાર અંગે શું કહ્યું
ODI World Cup 2023માં મળેલી હાર અંગે રોહિત શર્માએ કહ્યું કે, ટીમે વર્લ્ડ કપ માટે ખૂબ જ મહેનત કરી હતી. ટીમે 10 મેચ દરમિયાન ખૂબ જ સારું પ્રદર્શન કર્યું પરંતુ ફાઈનલમાં થોડું ઓછું પડ્યું. તમારે આગળ વધવું પડશે, શું થયું તે વિશે તમે શું કહી શકો. વર્લ્ડ કપ પછી મને બહારથી ઘણો સપોર્ટ મળ્યો, જેના કારણે હું તેમાંથી બહાર આવી શક્યો. હું આગામી બે વર્ષ સુધી બેટ્સમેન તરીકે રમવા માટે તૈયાર છું.
રોહિત T20 World Cup 2024ને લઈને આપ્યા સંકેતો
પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ કહ્યું કે મારી સામે જે પણ સિરીઝ છે હું તેમાં રમવા માટે જોઈ રહ્યો છું. રોહિતની આ વાતથી એવું કહી શકાય છે કે તે આવતા વર્ષે T20 World Cupમાં રમી શકે છે. જો કે આ વિશે અત્યાર સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.
'મને કે.એલ રાહુલ પર વિશ્વાસ છે'
રોહિત શર્માએ આ ઉપરાંત સાઉથ આફ્રિકા સામે રમાનાર ટેસ્ટ સિરીઝમાં કે.એલ રાહુલને લઈને કહ્યું કે મને કે.એલ રાહુલ પર વિશ્વાસ છે. તે ચોથા અને પાંચમાં નંબર પર સારી બેટિંગ કરે છે. આ સાથે તે ટેસ્ટમાં વિકેટકીપિંગ પણ કરી શકે છે. મને ખબર છે કે તે કેટલા સમય સુધી આવું કરી શકે છે.
વિદેશી ધરતી પર ભારતીય ફાસ્ટ બોલર્સનું પ્રદર્શન શાનદાર
રોહિતે ભારતીય ટીમના મુખ્ય બોલર મોહમ્મદ શમીને લઈને કહ્યું કે, 'છેલ્લા 5થી 7 વર્ષોમાં ભારતીય ફાસ્ટ બોલરોએ વિદેશી ધરતી પર શાનદાર પ્રદર્શન કર્યું છે. અમે શમીને મિસ કરીશું. યુવા બોલર્સ તેની જગ્યા લેવાની કોશિશ કરશે. જો કે આ આસાન રહેવાનું નથી.
'ટીમમાં સ્વિંગ અથવા સીમ બોલર લેવો તે નિર્ણય પિચ જોઇને લઈશું'
ભારતીય ટીમના ત્રીજા ફાસ્ટ બોલરને લઈને રોહિત શર્માએ કહ્યું કે પ્રસિદ્ધ કૃષ્ણા અને મુકેશ કુમારે ખુબ સારું પ્રદર્શન કર્યું છે. બુમરાહ અને સિરાજ પણ અમારી પાસે છે. અમને સ્વિંગ બોલરની જરૂર પડે છે કે સીમ તે જોવાનું રહેશે, આ નિર્ણય અમે પિચ જોઇને લઈશું.
'ખેલાડીઓનું કૌશલ્ય ટેસ્ટ રમીને બહાર આવે છે'
ટેસ્ટ રમી રહેલી ટીમમાં હાજર ખેલાડીઓ અંગે રોહિતે કહ્યું કે ખેલાડીઓ ટેસ્ટ રમવા માંગે છે, મેં દરેકની આંખોમાં જુસ્સો જોયો છે. ટેસ્ટ સૌથી મુશ્કેલ ફોર્મેટ છે, હું ઈચ્છું છું કે ખેલાડીઓ શક્ય તેટલી વધુ ટેસ્ટ રમે. ખેલાડીઓનું કૌશલ્ય ટેસ્ટ રમીને બહાર આવે છે.