VIDEO : રોહિત, વિરાટ, હાર્દિક....વર્લ્ડકપ જીત્યાં બાદ ટીમ ઈન્ડિયાના દિગ્ગજોની આંખો છલકાઈ
T20 World Cup 2024: T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતીને રોહિત બ્રિગેડે ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો. જ્યારે હાર્દિક પંડ્યાએ છેલ્લો બોલ નાખ્યો ત્યારે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત દરેક ખેલાડીએ રડવા લાગ્યા હતા. આ ખુશીના આંસુ હતા, આ છેલ્લા ઘણાં વર્ષથી રોકી રાખેલા આંસુ હતા. હા, ભારતે પોતાના દેશથી હજારો માઈલ દૂર ચોથી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ થયા ભાવુક
રોહિત શર્મા ચાહકોને શુભેચ્છા પાઠવીને આંસુ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનવા બદલ ટ્રોલ થયેલો હાર્દિક આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવ્યા બાદ પોતાની જાતને કહી રહ્યો હતો કે અમે કરી બતાવ્યું છે. બાર્બાડોસમાં ભારતે તિરંગો ફરકાવ્યો. મેચ બાદ જ્યારે રોહિતે મેદાન પર તિરંગો ફરકાવ્યો ત્યારે હાર્દિકે ભારતીય ધ્વજ સાથે પિચ પર આવીને તેને ચૂમી લીધો હતો.
Image : IANS |
વિરાટ પણ રડી પડ્યો
મેચ બાદ વિરાટનું તે રૂપ પણ જોવા મળ્યું જે આજ સુધી દુનિયાએ જોયું નથી. વિરાટની આંખોમાંથી ખુશીના આંસુ સતત વહી રહ્યા હતા. ફોન પર પરિવાર સાથે વાત કરતા પહેલા વિરાટ ખૂબ રડી રહ્યો હતો. કોઈપણ ભારતીય ચાહકો માટે આવી ક્ષણો જોવી સરળ ન હતી. લગભગ દરેક ખેલાડીની આંખો ભીની દેખાઈ રહી હતી.
વિરાટ-રોહિતે T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટને અલવિદા કહી દીધું
T-20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં 59 બોલમાં 76 રનની ઐતિહાસિક ઇનિંગ રમીને પ્લેયર ઓફ ધ મેચ બનેલા સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને સુપર-8માં ફિફ્ટી ફટકારનાર કેપ્ટન રોહિત શર્માએ પણ આખરે T20I ફોર્મેટને અલવિદા કહ્યું. આ ક્ષણ ટીમ ઈન્ડિયા સહિત આખા દેશને ભાવુક કરી દેનારી હતી.
ભારતીય ટીમ અપરાજિત રહી
અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં આયોજિત વર્લ્ડ કપમાં અપરાજિત રહેલી ભારતીય ટીમ માટે આખી સિઝનની સાત મેચમાં માત્ર 75 રન બનાવનાર વિરાટ કોહલીએ ફાઈનલનો હીરો બનીને ભારતની જીતનો પાયો નાખ્યો હતો. મેચ જીત્યા બાદ તેણે કહ્યું કે 'આ મારી છેલ્લી T20 ઈન્ટરનેશનલ મેચ હતી.' તેની થોડીક જ મિનિટો બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ નિવૃત્તિની જાહેરાત કરી હતી. કોહલીએ મેચ બાદ કહ્યું, 'આ મારો છેલ્લો T20 વર્લ્ડ કપ હતો અને અમે તેને જીતવા માંગતા હતા. ભારત માટે આ મારી છેલ્લી T20 મેચ હતી. મને લાગે છે કે નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે અને હવે સમય આવી ગયો છે કે નવી પેઢી આ વારસાને આગળ લઈ જાય.'