IND vs SA : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજથી ટેસ્ટ સિરીઝની શરૂઆત, સેન્ચુરિયનમાં થશે ટક્કર
સાઉથ આફ્રિકા સામે ભારતને 7 ટેસ્ટ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે
અહિયાં રમાયેલી 23 ટેસ્ટ મેચમાંથી ભારતીય ટીમે માત્ર 4 મેચ જીતી છે
Image:FilePhoto |
IND vs SA 1st Test : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજથી 2 મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ્સ પાર્કમાં બપોરે 1:30 વાગ્યાથી રમાશે. આજે ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા 31 વર્ષથી ચાલી રહેલ હારનો સિલસિલો તોડવા માટે મેદાનમાં ઉતરશે. આ સાથે જ સાઉથ આફ્રિકા ઘરેલું મેદાન પર ભારત સામે પોતાનો મજબૂત રેકોર્ડ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.
છેલ્લા 31 વર્ષમાં એક પણ સિરીઝ નથી જીત્યું ભારત
ભારતીય ટીમ વર્ષ 1992માં પ્રથમ વખત સાઉથ આફ્રિકાના પ્રવાસે આવી હતી. ત્યારથી લઈને આજ સુધી ભારતીય ટીમે અહીં 8 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી એક પણ મેચમાં તેને જીત હાંસલ થઇ નથી. સાઉથ આફ્રિકા સામે ભારતને 7 ટેસ્ટ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે જયારે એક સિરીઝ ડ્રો રહી હતી. અહિયાં રમાયેલી 23 ટેસ્ટ મેચમાંથી ભારતીય ટીમે માત્ર 4 મેચ જીતી છે. આ વખતે ભારતીય ટીમ કોઈપણ ભોગે રોહિત શર્માની કપ્તાનીમાં સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ ન જીતવાનો ક્રમ તોડવા માંગશે. આ માટે ટીમ છેલ્લા એક સપ્તાહથી જોરશોરથી પ્રેક્ટિસ કરી રહી છે. જો કે આ વખતે ભારતીય ટીમ સાઉથ આફ્રિકાની સરખામણીમાં ઘણી મજબૂત દેખાઈ રહી છે.
સાઉથ આફ્રિકાનો કિલ્લો છે સેન્ચુરિયન
સેન્ચુરિયનની પિચ સાઉથ આફ્રિકાની સૌથી ફાસ્ટ પિચોમાંની એક છે. તેને સાઉથ આફ્રિકાનો કિલ્લો પણ કહી શકાય. અહીં સાઉથ આફ્રિકાની ટીમે 28માંથી 22 ટેસ્ટ જીતી છે. જો કે ભારતીય ટીમે અહીં તેના છેલ્લા પ્રવાસમાં 113 રને વિજય નોંધાવ્યો હતો.
બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઈલેવન
ભારત
રોહિત શર્મા (C), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કે.એલ રાહુલ (wkt), શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ
સાઉથ આફ્રિકા
ટેમ્બા બાવુમા (C), ડીન એલ્ગર, એડન માર્કરમ, ટોની ડી જ્યોર્જી, કીગન પીટરસન/ડેવિડ બેડિંગહામ, કાઈલ વેરીન (wkt), માર્કો જેન્સીન, કેશવ મહારાજ, ગેરાલ્ડ કોએત્ઝી, કાગીસો રબાડા, લુંગી એનગીડી