IND vs SA : ભારતીય ટીમે 31 વર્ષ બાદ રચ્યો ઈતિહાસ, કેપટાઉનમાં સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું
પ્રથમ ઇનિંગમાં મોહમ્મદ સિરાજે ભારત માટે 6 વિકેટ ઝડપી હતી
બીજી ઇનિંગમાં જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરતા 6 વિકેટ ઝડપી
Image:Twitter |
IND vs SA 2nd Test : ભારતીય ક્રિકેટ ટીમે બીજી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાને 7 વિકેટથી હરાવી સીરિઝ 1-1થી ડ્રો કરી દીધી છે. બે મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સીરિઝ ભલે ભારતીય ટીમ જીતી ન શકી અને સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સીરિઝ જીતવાનું સપનું અધૂરું રહી ગયું, પરંતુ કેપટાઉનમાં આ જીત સાથે ભારતીય ટીમે ઈતિહાસ રચી દીધો છે. આ સાથે જ કેપટાઉનમાં ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવનાર ભારત એશિયાનો પહેલો દેશ બની ગયો છે.
ભારતે 31 વર્ષ બાદ રચ્યું ઈતિહાસ
ભારતીય ક્રિકેટ ટીમને વર્ષ 1993 પછી કેપટાઉનમાં જીત મળી છે. ભારતીય ટીમે અહીં પ્રથમ ટેસ્ટ 2 જાન્યુઆરી 1993માં રમી હતી. આ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે આ મેદાન પર કુલ 6 ટેસ્ટ મેચ રમી હતી જેમાંથી તેને 4 મેચમાં હાર મળી હતી જયારે 2 મેચ ડ્રો રહી હતી. હવે સાતમી ટેસ્ટ મેચમાં આ મેદાન પર પ્રથમ વખત ભારતીય ટીમે જીત નોંધાવી છે.
ભારતે સાઉથ આફ્રિકાને 7 વિકેટથી હરાવ્યું
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચની વાત કરીએ તો સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ ઇનિંગમાં મોહમ્મદ સિરાજે ઘાતક બોલિંગ કરતા 15 રન આપીને 6 વિકેટ ઝડપી અને સાઉથ આફ્રિકાની ટીમ 55 રનમાં સમેટાઈ ગઈ હતી. તે પછી ભારતીય ટીમે બીજી ઇનિંગમાં 153 રન બનાવ્યા અને 98 રનની લીડ મેળવી હતી. ત્યારબાદ બીજી ઇનિંગમાં જસપ્રીત બુમરાહે ભારત માટે 6 વિકેટ ઝડપી હતી. આ ઇનિંગમાં સાઉથ આફ્રિકાએ 176 રન બનાવ્યા અને ભારતને 76 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમે જવાબમાં 3 વિકેટ ગુમાવીને 31 વર્ષ બાદ કેપટાઉનમાં જીત નોંધાવી હતી.