ટીમ ઈન્ડિયા માટે શરમજનક વાત છે કે મોહમ્મદ શામી ટીમમાં નહીં હોય : એલન ડોનાલ્ડ
ODI World Cup 2023માં મોહમ્મદ શમીએ સૌથી વધુ વિકેટ ઝડપી હતી
મોહમ્મદ શમીએ ODI World Cup 2023ની 7 મેચમાં 24 વિકેટ ઝડપી હતી
Image:File Photo |
IND vs SA 1st Test : ક્રિકેટ જગતમાં છેલ્લા કેટલાંક વર્ષોથી ભારતીય ક્રિકેટ ટીમની બેટિંગ કરતા બોલિંગની ચર્ચા થઇ રહી છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજના નેતૃત્વમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલરોએ સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજથી 2 મેચની ટેસ્ટ સિરીઝ શરુ થવા જઈ રહી છે. ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આ ટેસ્ટ સિરીઝમાં ભાગ લઇ રહ્યો નથી.
શમીની ગેરહાજરી ભારત માટે શરમજનક - ડોનાલ્ડ
મોહમ્મદ શમીની ગેરહાજરીમાં ભારતીય ટીમનો ફાસ્ટ બોલિંગ એટેક એટલો ઘાતક નથી દેખાઈ રહ્યો જેટલો તે ODI World Cup 2023માં દેખાઈ રહ્યો હતો. સાઉથ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર એલન ડોનાલ્ડે આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. ડોનાલ્ડે શમીની ગેરહાજરીને ભારત માટે શરમજનક ગણાવી છે.
'દુનિયામાં એવા ઓછા બોલર છે જે શમીની જેમ બોલ રિલીઝ કરે છે'
ડોનાલ્ડે કહ્યું, 'છેલ્લા 5-6 વર્ષમાં ભારતે જે પેસ એટેક બનાવ્યો છે અને તે હાલ જ્યાં છે આ શરમજનક છે કે શમી ટીમમાં નથી. દુનિયામાં એવા ઓછા બોલર છે જે શમીની જેમ બોલ રિલીઝ કરે છે. હું શમીનો મોટો ફેન છું, સીમને જોઇને મને નથી લાગતું કે કોઈ અન્ય બોલર શમીની જેમ બોલ રિલીઝ કરે છે. શમીને ભારતીય ટીમ ખુબ મિસ કરશે.'
'દુનિયામાં બોલ લેટ રિલીઝ કરનાર બુમરાહ જેવો અન્ય બોલર નથી'
શમીની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણા અથવા મુકેશ કુમારને સાઉથ આફ્રિકા સામે રમવાની તક મળી શકે છે. ડોનાલ્ડ મુજબ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સાઉથ આફ્રિકન કંડીશનમાં શાનદાર બોલિંગનું પ્રદર્શન કરશે. તેણે કહ્યું,' તેમની પાસે બુમરાહ અને સિરાજ જેવા અન્ય ફાસ્ટ બોલર્સ છે. આ ટેસ્ટ સિરીઝ ખુબ જ શાનદાર રહેશે. ભારતીય બેટર્સને અહીં બેટિંગ કરવાની મજા આવશે. સેન્ચુરિયનમાં ઝડપથી રન બની શકે છે. બુમરાહ ખુબ જ યુનિક બોલર છે, દુનિયામાં લેટ બોલ રિલીઝ કરનાર બુમરાહ જેવો અન્ય બોલર નથી.'