IND vs SA : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે સિરીઝની પ્રથમ વનડે, જોહાનિસબર્ગમાં થશે ટક્કર
ઋતુરાજ ગાયકવાડ માંદગીના કારણે T20 સિરીઝમાં રમી શક્યો ન હતો
સિરીઝમાં સફળતા મળતા કે.એલ રાહુલને લાંબા સમય સુધી વનડે ટીમની કમાન સોંપવામાં આવી શકે છે
Image:FilePhoto |
IND vs SA 1st ODI : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજથી ત્રણ મેચની ODI સિરીઝ શરુ થવા જઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ આજે જોહાનિસબર્ગના વોન્ડરર્સ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 1:30 વાગ્યે શરુ થશે. આ મેચમાં ભારતીય ટીમનું નેતૃત્વ કે.એલ રાહુલ કરશે જયારે સાઉથ આફ્રિકાની કપ્તાની એડન માર્કરમના હાથોમાં હશે. આ સિરીઝમાં યુવા ખેલાડીઓ પોતાની છાપ છોડવા માંગશે. ભારતીય ટીમ ગત પાંચ વર્ષોથી સાઉથ આફ્રિકા સામે તેમનાં ઘરઆંગણે વનડે સિરીઝ જીતી શકી નથી. આ પહેલા ભારત વર્ષ 2017-18માં 6 મેચની ODI સિરીઝમાં 5-1થી વિજય થયું હતું.
ઋતુરાજની તબિયતના કારણે તે T20 સિરીઝમાં રમી શક્યો ન હતો
સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝમાં સૌથી વધુ ધ્યાન કે.એલ રાહુલ પર રહેશે જે ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળશે. આ સિરીઝમાં સફળતા મળતા તેને લાંબા સમય સુધી વનડે ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. માંદગીના કારણે T20 સિરીઝમાં રમી ન શકનારા રુતુરાજ ગાયકવાડ અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓએ ભૂતકાળમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું છે, પરંતુ અન્ય કેટલાક ખેલાડીઓ તેમની ક્ષમતા દર્શાવવા માટે ઉત્સુક હશે. હવે જોવાનું એ રહે છે કે ઋતુરાજની તબિયત કેવી છે. જો તે ફિટ હશે તો તે રમશે તે નિશ્ચિત છે, અન્યથા રજત પાટીદારને પણ ડેબ્યુ કરવાની તક મળી શકે છે. આ ખેલાડીઓમાં રિંકુ સિંહ પણ સામેલ છે.
આ ખેલાડીઓને મળી શકે ડેબ્યુની ટકા
ભારતીય ટીમ મેનેજમેન્ટ રિંકુ સિંહને 50 ઓવરના ફોર્મેટમાં પણ અજમાવવા માંગે છે અને તેથી તેને વનડેમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. રજત પાટીદારને પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાની તક મળી શકે છે. એ જ રીતે સાઈ સુદર્શન અને તિલક વર્માને પણ મિડલ ઓર્ડરમાં સ્થાન મળી શકે છે. ભારતીય ટીમ મેનેજમેન્ટને આશા છે કે આ ખેલાડીઓ સાઉથ આફ્રિકાના બોલિંગ અટેક સામે સારું પ્રદર્શન કરશે.
ભારતીય ટીમ મુખ્ય બોલરો વિના ઉતરશે મેદાનમાં
ભારતીય ટીમ ODI World Cup 2023માં શાનદાર પ્રદર્શન કરનાર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ વિના સાઉથ આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે. બુમરાહ અને સિરાજ ટેસ્ટ સિરીઝમાં રમશે પરંતુ શમીને ફિટનેસને લઈને BCCIની મેડિકલ ટીમ તરફથી મંજૂરી મળી નથી. હવે ભારતીય ટીમના બોલિંગ અટેકની જવાબદારી આવેશ ખાન, મુકેશ કુમાર અને અર્શદીપ સિંહ પર રહેશે. દીપક ચહરની જગ્યાએ આકાશ દીપને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શ્રેયસ અય્યર પણ આજની મેચ બાદ ટેસ્ટની તૈયારી કરવા મેટ બાકીની મેચમાં ટીમમાં હાજર રહેશે નહીં.
વાવાઝોડા સાથે વરસાદની સંભાવના
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ODI મેચ દરમિયાન દિવસ ગરમ રહેશે, પરંતુ વાવાઝોડા સાથે વરસાદની 40 ટકા સંભાવના છે. જોહાનિસબર્ગમાં ગઈકાલે પણ હવામાન આવું જ હતું. જો કે આ મેદાનની વ્યવસ્થા ઘણી સારી છે, તેથી જો વરસાદ પડે તો પણ મેચ ટૂંક સમયમાં ફરી શરૂ થઈ શકે છે. આથી આજની મેચમાં કેટલીક ઓવરનો ઘટાડો થઈ શકે છે, પરંતુ મેચનું પરિણામ આવવાની તમામ શક્યતાઓ છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચમાં પિચ સપાટ રહેશે અને અહીં ઘણા રન બની શકે છે. રન ચેઝ અહીં સરળ બની ગયું છે. પ્રથમ બેટિંગ કરનાર ટીમે 23 મેચ જીતી છે, જ્યારે પ્રથમ બોલિંગ કરનારી ટીમે 30 મેચ જીતી છે.
બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન
ભારત
કેએલ રાહુલ (C/wkt), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સંજુ સેમસન, રિંકુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, આવેશ ખાન, મુકેશ કુમાર
સાઉથ આફ્રિકા
એડન માર્કરમ (C), રીઝા હેન્ડ્રીક્સ, ટોની ડી જ્યોર્જી, રાસી વાન ડેર ડુસેન, હેનરિક ક્લાસેન (wkt), ડેવિડ મિલર, એન્ડીલે ફેહલુખ્વાયો, કેશવ મહારાજ, તબરેઝ શમ્સી, નાન્દ્રે બર્જર, લિઝાદ વિલિયમ્સ