ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું બુરહાન વાની કનેક્શન! ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જશે કે નહીં એ સસ્પેન્સ!
Image:File Photo
Champions Trophy 2025: આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફિનું યજમાન પાકિસ્તાન છે અને તેના માટે એક ડ્રાફ્ટ શેડ્યુલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ શેડ્યુલ અનુસાર, ભારતની મેચ લાહોરમાં ગોઠવવામાં આવી છે. જો કે ભારતીય ટીમ પાકિસ્તાનમાં રમવા જશે કે પછી હાઈબ્રિડ મોડલ હેઠળ મેચ યોજાશે અંગે સસ્પેન્સ છે. ત્યારે ભારત પાકિસ્તાન ન જવાનું એક મોટું કારણ પણ સામે આવ્યું છે.
જાણો શું છે કારણ
પાકિસ્તાનમાં યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને કેટલાક એવા મોટા અપડેટ્સ સામે આવ્યા છે, જેના કારણે ભારતના પ્રવાસ પર શંકાના વાદળો ઘેરાઈ રહ્યા છે. BCCIને ભારતીય ક્રિકેટ ટીમને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન મોકલવામાં રસ નથી, તેનું એક મોટું કારણ પાકિસ્તાનમાં ભારતીય ટીમના ખેલાડીઓની સુરક્ષાને લઈને પણ છે. કરાચી અને ઈસ્લામાબાદમાં આતંકી બુરહાન વાનીની યાદમાં મોટા પાયે આતંકવાદ તરફી રેલીઓ કાઢવામાં આવી હતી, જેના વીડિયો સામે આવ્યા છે. હિઝબુલ મુજાહિદ્દીનનો પોસ્ટર બોય વાની એક આતંકવાદી સંગઠનનો હિસ્સો હતો. જેને યુરોપિયન યુનિયન, કેનેડા, અમેરિકા અને ભારત દ્વારા આતંકી જાહેર કર્યો હતો.
આ પણ વાંચો: IND vs ZIM: આખરે વારો આવી ગયો! ત્રીજી T20માં ધોનીના વધુ એક ધુરંધરને ટીમમાં મળી તક
BCCIએ પાકિસ્તાન પ્રવાસ માટે આ જવાબ આપ્યો હતો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ મે 2024માં કહ્યું હતું કે 'ભારતીય ટીમ જો કેન્દ્ર સરકાર મંજૂરી આપશે તો જ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જશે. ચેમ્પિયન્સ ટ્રોફીના મામલે ભારત સરકાર અમને જે કરવાનું કહેશે તેમ અમે કરીશું. જ્યારે ભારત સરકાર પરવાનગી આપશે ત્યારે જ અમે ટીમને મોકલીશું. અમે ભારત સરકારના નિર્ણય મુજબ જઈશું.'
શાહિદ આફ્રિદીએ કરી આ અપીલ
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાનની પ્રવાસે આવવાની વિનંતી કરતાં કહ્યું હતું કે 'રમતને રાજકારણથી દૂર રાખવી જોઈએ.' આફ્રિદીએ પાકિસ્તાનમાં વિરાટ કોહલીના વિશાળ પ્રશંસક વર્ગનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે 'જો વિરાટ પાકિસ્તાન આવશે તો તે ભારત પ્રત્યેના પ્રેમને ભૂલી જશે.'