IND vs ENG : જયસ્વાલની 'યશસ્વી સિદ્ધિ', ટેસ્ટમાં તોડ્યો ગાંગુલી-ગંભીરનો મોટો રેકોર્ડ
ચોથી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં ઇંગ્લેન્ડની ટીમ 353 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી
યશસ્વી જયસ્વાલે ટી બ્રેક સુધી 96 બોલમાં 54 રન બનાવી લીધા હતા
Image:Twitter |
Yashasvi Jaiswal : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝની ચોથી ટેસ્ટ મેચ રાંચીમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચના બીજા દિવસે યશસ્વી જયસ્વાલે ભારતની પ્રથમ ઈનિંગમાં ફિફ્ટી ફટકારી. આ સાથે જયસ્વાલે એક ખાસ સિદ્ધિ મેળવી લીધી છે. યશસ્વી જયસ્વાલે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને ગૌતમ ગંભીરનો રેકોર્ડ તોડી દીધો છે. તે ભારત માટે ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન બનાવનાર ડાબોડી બેટર બની ગયો છે.
જયસ્વાલે ગાંગુલી અને ગંભીરને છોડ્યા પાછળ
યશસ્વી જયસ્વાલ ભારતીય ક્રિકેટ ટીમ માટે ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન બનાવનાર ડાબોડી બેટર બની ગયો છે. તેણે આ મામલે ગંભીર અને ગાંગુલીને પાછળ છોડી દીધા છે. યશસ્વીએ અત્યાર સુધી 4 ટેસ્ટ મેચની 7 ઇનિંગ્સમાં 599 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે બે બેવડી સદી પણ ફટકારી છે. યશસ્વીએ રાજકોટ અને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
સૌથી વધુ રન બનાવનાર ખેલાડીની યાદીમાં ગાંગુલી ટોપ
સૌરવ ગાંગુલીએ વર્ષ 2007માં પાકિસ્તાન સામે 534 રન બનાવ્યા હતા. યશસ્વી પહેલા તે સૌથી વધુ રન બનાવવાના મામલે ટોપ પર હતો. પરંતુ હવે તે બીજા નંબર પર આવી ગયો છે. ત્રીજા નંબર પર ગૌતમ ગંભીર છે. ગંભીરે વર્ષ 2008માં ઓસ્ટ્રેલિયા સામે 463 રન બનાવ્યા હતા. તેણે વર્ષ 2009માં ન્યૂઝીલેન્ડ સામે 445 રન બનાવ્યા હતા.
યશસ્વીનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર 214 રન
યશસ્વી જયસ્વાલે 14 ટેસ્ટ ઇનિંગ્સમાં 915 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 સદી અને 3 ફિફ્ટી ફટકારી છે. આ સાથે તેણે 2 બેવડી સદી પણ ફટકારી છે. યશસ્વીનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર 214 રન છે. ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં યશસ્વીએ બીજા દિવસે ટી-બ્રેક સુધી પ્રથમ ઇનિંગમાં 96 બોલમાં 54 રન બનાવ્યા હતા. તેણે 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. ભારતીય ટીમે ટી બ્રેક સુધી 4 વિકેટ ગુમાવીને 131 રન બનાવ્યા હતા. આ પહેલા ઈંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 353 રન બનાવ્યા હતા.