જયસ્વાલની 'યશસ્વી' ઇનિંગથી આ ભારતીય ક્રિકેટરોનું ટીમમાં સ્થાન મેળવવાનું સપનું રોળાયું!
ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમે 434 રનના જંગી અંતરથી જીત મેળવી
રાજકોટ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલે 214 રનની શાનદાર ઈનિંગ રમી હતી
Image:Twitter |
Yashasvi Jaiswal : રાજકોટના મેદાન પર ભારતીય ટીમે ફરી એક વખત બતાવ્યું કે શા માટે તેને વિશ્વ ક્રિકેટમાં ચેમ્પિયન ટીમ કહેવામાં આવે છે. રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમે શાનદાર દેખાવ કર્યો અને 434 રનના જંગી અંતરથી જીત મેળવી હતી. ભારતની આ જીતનો હીરો યુવા ઓપનિંગ બેટર યશસ્વી જયસ્વાલ હતો. આ મેચની બીજી ઈનિંગમાં તેણે 214 રનની શાનદાર ઈનિંગ રમી હતી. પોતાની બેવડી સદીના આધારે યશસ્વીએ એવા ક્રિકેટર્સની આશાઓ તોડી નાખી છે જેઓ ભારતીય ટીમમાં વાપસી માટે સખત મહેનત કરી રહ્યા છે.
પૃથ્વી શો
ભારતીય ટીમ માટે પૃથ્વી શોએ પોતાની ડેબ્યુ ટેસ્ટ મેચમાં સદી ફટકારીને ઘણું નામ કમાવ્યું હતું. તેની ઈનિંગ બાદ તેને ભારતના આગામી સુપરસ્ટાર તરીકે ગણવામાં આવી રહ્યો હતો. જો કે ઈજાના કારણે તેની મુશ્કેલીઓ વધી અને તે ટીમમાંથી બહાર થઈ ગયો. ઈજા બાદ પૃથ્વી ક્યારેક ફોર્મને લઈને સંઘર્ષ કરતો હતો તો ક્યારેક વિવાદોમાં પણ આવ્યો હતો, જો કે તે ભારતીય ક્રિકેટ ટીમમાં વાપસી કરી શક્યો ન હતો. તાજેતરમાં પૃથ્વીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં વાપસી કરી અને રણજી ટ્રોફીમાં સદી ફટકારી હતી. પરંતુ યશસ્વીની બેટિંગ જોઈને પૃથ્વીનું વાપસીનું સપનું હવે રોળાઈ ગયું છે.
મયંક અગ્રવાલ
ભારતીય ઓપનર મયંક અગ્રવાલે ભારત માટે 21 ટેસ્ટ મેચ રમી છે. એક સમયે ભારતીય ટીમનો ભરોસાપાત્ર ઓપનર બની ચૂકેલ મયંક ઈજા અને ખરાબ ફોર્મને કારણે ટીમમાંથી બહાર થઈ ગયો હતો. ત્યારથી તે ટીમમાં વાપસી કરી શક્યો નથી. ટેસ્ટ ફોર્મેટમાં કેપ્ટન રોહિત શર્મા સાથે યશસ્વી જયસ્વાલ જે રીતે બેટિંગ કરી રહ્યો છે તે જોતા હવે તેની વાપસીની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. મયંકે છેલ્લે વર્ષ 2022માં ભારત માટે ટેસ્ટ રમી હતી.
અભિમન્યુ ઇશ્વરન
ડોમેસ્ટિક ક્રિકેટમાં અભિમન્યુ ઇશ્વરનનો રેકોર્ડ શાનદાર છે. તેના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેને ઘણી વખત ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જો કે તે હજુ સુધી પ્લેઇંગ-11નો ભાગ બની શક્યો નથી. હવે જયસ્વાલના શાનદાર ફોર્મને જોતા ઇશ્વરનને તેના આંતરરાષ્ટ્રીય ડેબ્યુ માટે લાંબી રાહ જોવી પડી શકે છે.