ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડ સામે 347 રને રેકોર્ડ જીત સાથે રચ્યો ઈતિહાસ, પ્રથમવાર ટેસ્ટ મેચમાં ઘરઆંગણે હરાવ્યું

ભારતે ઈંગ્લેન્ડને 479 રનનો ટાર્ગેટ આપ્યો હતો

ઇંગ્લેન્ડની ટીમ માત્ર 131 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડ સામે 347 રને રેકોર્ડ જીત સાથે રચ્યો ઈતિહાસ, પ્રથમવાર ટેસ્ટ મેચમાં ઘરઆંગણે હરાવ્યું 1 - image
Image:Twitter

IND W vs ENG W : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં 347 રનથી જીત મેળવી છે. આ મેચ જીતતાની સાથે જ ભારતીય મહિલા ટીમે ઈતિહાસ રચી દીધો છે. તેણે પહેલીવાર ઇંગ્લેન્ડને ટેસ્ટમાં પોતાના ઘરેલૂ મેદાન પર હરાવ્યું છે. ભારતીય મહિલા ટીમની ઇંગ્લેન્ડ સામે આ ત્રીજી જીત છે. આ પહેલા ભારતે ઇંગ્લેન્ડને વર્ષ 2006માં ટોન્ટન અને વર્ષ 2014માં વોર્મસ્લેમાં હરાવ્યું હતું.

ભારતીય મહિલા ટીમની મોટી જીત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મહિલા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં રનની દ્રષ્ટિએ સૌથી મોટી જીત હાંસલ કરી છે. આ પહેલા શ્રીલંકાની મહિલા ટીમે પાકિસ્તાનને વર્ષ 1998માં 309 રનથી હરાવ્યું હતું. જયારે ન્યુઝીલેન્ડની ટીમે વર્ષ 1972માં સાઉથ આફ્રિકાની મહિલા ટીમને 188 રનથી હરાવ્યું હતું. 

ભારતીય બોલર્સ સામે ન ટકી શકી ઇંગ્લેન્ડની ટીમ

મેચના ત્રીજા દિવસની શરૂઆતમાં ભારતે પોતાની ઇનિંગ ડિકલેર કરી અને ઈંગ્લેન્ડને 479 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મહિલા ટેસ્ટ ક્રિકેટમાં આ સૌથી મોટો ટાર્ગેટ હતો. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ ભારતીય બોલરો સામે ટકી શકી નહીં અને માત્ર 131 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે 347 રનથી મોટી જીત નોંધાવી હતી.

દીપ્તિ શર્માએ 9 વિકેટ ઝડપી

ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન હેદર નાઈટે સૌથી વધુ 21 રન બનાવ્યા હતા. જયારે શેરોટેલ ડીને 20 રનનું યોગદાન આપ્યું હતું. દીપ્તિ શર્માએ ભારત તરફથી શાનદાર બોલિંગ કરી હતી. દીપ્તિ અને પૂજા વસ્ત્રાકર ઇંગ્લેન્ડને ટકવાનો મોકો ન આપ્યો હતો. દીપ્તિએ 4 જયારે પૂજાએ 3 વિકેટ ઝડપી હતી. રાજેશ્વરી ગાયકવાડે 2 અને રેણુકા ઠાકુરે એક વિકેટ ઝડપી હતી. દીપ્તિ શર્માએ આ મેચમાં 9 વિકેટ ઝડપી હતી અને એક ફિફ્ટી પણ ફટકારી હતી.

ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડ સામે 347 રને રેકોર્ડ જીત સાથે રચ્યો ઈતિહાસ, પ્રથમવાર ટેસ્ટ મેચમાં ઘરઆંગણે હરાવ્યું 2 - image


Google NewsGoogle News