IND vs ENG : કોહલીની વાપસી થતાં જ ટીમ ઈન્ડિયામાં આ બેમાંથી એક ખેલાડીનું પત્તું કપાશે
IND vs ENG, Virat Kohli : ભારતીય ક્રિકેટ ટીમ જયારે ઇંગ્લેન્ડ સામેની બીજી વનડે મેચ રમવા ઉતરશે ત્યારે બધાની નજર વિરાટ કોહલી પર રહેશે. કારણ કે, પહેલી વનડેમાં કોહલી ઘૂંટણની ઈજાને કારણે મેચથી બહાર રહ્યો હતો. તેની જગ્યાએ છેલ્લી ક્ષણે શ્રેયસ અય્યરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન શુભમન ગિલે જણાવ્યું છે કે, કોહલીની ઈજા ગંભીર નથી અને તે બીજી મેચમાં રમી શકે છે. ત્યારે હવે સવાલ એ છે કે, બીજી વનડેમાં શ્રેયસ અને યશસ્વી જયસ્વાલમાંથી કોને ટીમમાંથી બહાર કરવામાં આવશે? જો કે, શ્રેયસે જે રીતે પહેલી વનડેમાં પ્રદર્શન કર્યું છે તેને જોતા ટીમમાંથી તેને બહાર કરવો મુશ્કેલ છે.
શ્રેયસને ટીમમાંથી બહાર કરવો મુશ્કેલ
કટક ખાતે રમાનારી બીજી વનડે મેચમાં વિરાટ રમશે કે નહી તેને લઈને સ્થિતિ ગૂંચવાઈ ગઈ છે. કારણ કે અગાઉ પહેલી વનડેમાં વિરાટની જગ્યાએ શ્રેયસ અય્યરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તેણે આ મેચમાં 36 બોલમાં 59 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેથી કરીને તેની આ શાનદાર ઇનિંગના કારણે તેને બીજી વનડેમાંથી બહાર કરવો ઘણો મુશ્કેલ થશે.
વિરાટ રમશે કે નહી તેને લઈને સ્થિતિ ગૂંચવાઈ
નાગપુર વનડેમાં કોહલી ન રમવાને કારણે આગામી 19 ફેબ્રુઆરીથી શરુ થનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની ફિટનેસની લઈને સવાલો ઉભા થયા છે. અગાઉ પણ વિરાટ ગરદનમાં થયેલા દુખાવાના કારણે રણજી ટ્રોફીમાં દિલ્હી તરફથી સૌરાષ્ટ્ર સામેની મેચમાં પણ તે રમ્યો ન હતો. જો કે રેલ્વે સામેની મેચમાં તે એમ્યો હતો અને સસ્તામાં આઉટ થઇ ગયો હતો. હો વિરાટ બીજી વનડેમાં રમે છે તો તેણે પોતાનું ફોર્મ અને ફિટનેસ બંને સાબિત કરવું પડશે.
યશસ્વીને બહાર કરવામાં આવે તો વિરાટની ટીમમાં વાપસી થઇ શકે?
શુભમન ગિલે પહેલી વનડેમાં 87 રનની ઇનિંગ રમીને બીજી વનડેમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. જો યશસ્વી જયસ્વાલને ટીમમાંથી બહાર કરવામાં આવે તો વિરાટની ટીમમાં વાપસી થઇ શકે છે. જયસ્વાલે પહેલી મેચમાં 15 રન જ બનાવ્યા હતા. આ સ્થિતિમાં ટીમ માટે ગિલ ઓપનીંગ કરી શકે છે. પસંદગીના સમિકરણોને લઈને રોહિત શર્મા પર ખૂબ દબાણ હશે. તે ઘણાં લાંબા સમયથી ફોર્મમાં નથી ચાલી રહ્યો. જો કે રોહિત પણ નાગપુર વનડેમાં પણ બે રન બનાવીને આઉટ થઇ ગયો હતો. ફોર્મમાં ન હોવાને કારણે અગાઉ તે ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટમાંથી બહાર રહ્યો હતો. હવે જો રોહિત કટક વનડેમાં બેટિંગ કરવા ઉતરશે ત્યારે તેના પર રન કરવાનું ઘણું દબાણ હશે. રોહિતની સાથે ગિલ ઓપનીંગ કરવા ઉતરી શકે છે. જયારે કોહલી ત્રીજા અને તેના પછી શ્રેયસ બેટિંગ કરવા આવી શકે છે.
રાહુલ અને કુલદીપની જગ્યાએ આ ખેલાડીઓને ટીમમાં સ્થાન મળી શકે
અહીં એ પણ જોવાનું રસપ્રદ રહેશે કે, ટીમ મેનેજમેન્ટ કેએલ રાહુલને ટીમમાં સ્થાન આપ્યા બાદ શું રિષભ પંતની પણ પરિક્ષા લઇ શકે છે? પહેલા મેચમાં રાહુલને તક અપાઈ હતી, પરંતુ તે બે રન બનાવી આઉટ થઇ ગયો હતો. તેથી આ સ્થિતમાં પંતને ટીમમાં સ્થાન આપી શકાય છે. બંનેમાંથી જે સૌથી શરુ રમશે તેને છેલ્લી વનડેની ટીમમાં સ્થાન આપી શકાય છે. આ દરમિયાન કુલદીપ યાદવે પહેલી વનડેમાં કુલદીપ યાદવે 9.4 ઓવરમાં 53 રન આપીને તે એક વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો અને ટીમ માટે મોંઘો સાબિત થયો હતો. આ સ્થિતમાં કુલદીપની જગ્યાએ વરુણ ચક્રવર્તીને ટીમમાં સ્થાન આપી શકાય છે.