IND vs ENG : વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં હાર બાદ અંગ્રેજોએ ભારત છોડ્યું, ઈંગ્લેન્ડની ટીમ અબુ ધાબી રવાના
ટેસ્ટ સીરિઝ પહેલા ઇંગ્લેન્ડે અબુ ધાબીમાં કન્ડિશનિંગ કેમ્પનું આયોજન કર્યું હતું
Image:Twitter |
England Cricket Team Head Back To Abu Dhabi : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું હતું. આ જીત પછી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટ ખાતે રમાનાર છે. પરંતુ તે પહેલા ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ભારત છોડીને જઈ ચૂકી છે.
ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ઈંગ્લેન્ડની ટીમ અબુ ધાબી રવાના
વિશાખાપટ્ટનમમાં 106 રનની હાર બાદ ઈંગ્લેન્ડની ટીમે સખત પ્રેક્ટિસને બદલે આરામ માટે બીજી અને ત્રીજી ટેસ્ટ વચ્ચેના સમયનો ઉપયોગ વિરામ માટે પસંદ કર્યો છે. બેન સ્ટોક્સના નેતૃત્વમાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ તેના પરિવાર સાથે અબુ ધાબી પરત ફરી છે. 9 દિવસના વિરામ દરમિયાન ખેલાડીઓ અહીં આરામ કરશે અને ગોલ્ફ રમવામાં સમય પસાર કરશે.
સીરિઝ પહેલા અબુ ધાબીમાં કન્ડિશનિંગ કેમ્પનું આયોજન કર્યું હતું
ભારત સામેની ટેસ્ટ સીરિઝની તૈયારી માટે ઈંગ્લેન્ડે પ્રેક્ટિસ મેચ રમવાને બદલે અબુ ધાબીમાં કન્ડિશનિંગ કેમ્પનું આયોજન કર્યું હતું. અબુ ધાબીમાં કેમ્પ દરમિયાન ઈંગ્લેન્ડની ટીમે ભારતીય સ્પિનરોનો સામનો કરવાની રીતો પર કામ કરવામાં ઘણો સમય પસાર કર્યો હતો. જે બાદ ઈંગ્લેન્ડની ટીમને તેનો લાભ પણ મળ્યો હતો અને હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ જીતવામાં સફળ રહી હતી.