IND vs ENG: રવિન્દ્ર જાડેજા ટીમમાં વાપસી કરવા તૈયાર? ત્રણ ટેસ્ટ માટે ટીમની જાહેરાત પહેલા ઈજા પર આવ્યું અપડેટ
પ્રથમ ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ ઝડપી હતી
Image:File Photo |
IND vs ENG 3rd Test, Ravindra Jadeja : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. આ મેચ પહેલા BCCIએ બાકીની ત્રણ ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત કરવાની છે. આ કામગીરી આજે થાય તેવી શક્યતા છે. ટીમની જાહેરાત પહેલા સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ વાપસીના સંકેત આપ્યા છે. જાડેજાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી છે જેમાં તે રિકવરીની પ્રક્રિયામાંથી પસાર થતો જોવા મળી રહ્યો છે.
જાડેજાએ આપ્યા રિકવરીના સંકેત
રવિન્દ્ર જાડેજાએ NCAમાંથી શેર કરેલી આ તસવીર સાથે કેપ્શનમાં લખ્યું, "હું સ્વસ્થ થઈ રહ્યો છું." આ તસવીરમાં જાડેજાના ચહેરા પર સ્મિત છે. આ પોસ્ટ દ્વારા તેણે પસંદગીકારોને એ પણ સંકેત આપ્યો છે કે તેની ઇજા હવે પહેલા કરતા ઘણી સારી છે અને તે વાપસી કરવા માટે તૈયાર છે. જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાને હૈદરાબાદ ટેસ્ટ દરમિયાન હેમસ્ટ્રિંગમાં ઈજા થઇ હતી. તે મેચ બાદ જાડેજા વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં રમ્યો ન હતો.
આ બે ખેલાડીઓના રમવા પર શંકા
રવિન્દ્ર જાડેજા ઉપરાંત ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝમાં કે.એલ રાહુલના રૂપમાં પણ મોટો ઝટકો લાગ્યો હતો. વિરાટ કોહલી પ્રથમ બે ટેસ્ટ માટે ટીમનો ભાગ ન હતો. આ પછી જાડેજા અને રાહુલ ઈજાના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા હતા. જાડેજા વિશે એવી સંભાવના છે કે તે વાપસી કરી શકે છે, પરંતુ કે.એલ રાહુલની વાપસી વિશે હજુ કંઈ કહી શકાય નહીં. વિરાટ કોહલી વિશે એવા પણ અહેવાલ છે કે તે આખી સીરિઝ રમી શકશે નહીં.