જીત છતા ટીમ ઈન્ડિયામાં 4 સુધારા કરવાની જરૂર, તો જ ત્રીજી મેચમાં મળશે સફળતા!
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે
Image:Twitter |
IND vs ENG : ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં જીત મેળવી હતી. સીરિઝની પ્રથમ મેચ હાર્યા બાદ ભારતને બીજી ટેસ્ટ મેચમાં જીત મળી હતી. પરંતુ બીજી ટેસ્ટ મેચ જીત્યા બાદ ભારતીય ટીમને ખુશ થવાની જરૂર નથી. ભારતીય ટીમને હજુ સુધારાની જરૂર છે. જેથી તે આગળની ત્રણ મેચ જીતવામાં પણ સફળ રહે.
1. ટોપ ઓર્ડર
ભારતનો ટોપ ઓર્ડર અત્યાર સુધી રમાયેલી બંને ટેસ્ટ મેચમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી શક્યો નથી. બીજી મેચમાં ઓપનર યશસ્વી જયસ્વાલ અને ત્રીજા નંબરે રમી રહેલા શુભમન ગિલે રન બનાવ્યા હતા, પરંતુ રોહિત શર્મા ફ્લોપ રહ્યો હતો. જો કે જયસ્વાલે પ્રથમ ટેસ્ટમાં પણ રન બનાવ્યા હતા, પરંતુ ત્યારબાદ રોહિત શર્માની સાથે શુભમન ગિલ પણ ફ્લોપ રહ્યો હતો. આવી સ્થિતિમાં ભારતીય ટીમે રાજકોટમાં રમાનારી ત્રીજી ટેસ્ટથી ટોપ ઓર્ડરમાં સાતત્ય લાવવાની જરૂર છે.
2. ફ્લોપ મિડલ ઓર્ડર
ભારતીય ટીમના મિડલ ઓર્ડરમાં રમી રહેલા બેટ્સમેનની ફોર્મ કઈં ખાસ નથી. મિડલ ઓર્ડરના મુખ્ય બેટ્સમેનોમાંનો એક શ્રેયસ અય્યર અત્યાર સુધી ફ્લોપ સાબિત થયો છે. અય્યરે 4 ઈનિંગ્સમાં માત્ર 104 રન બનાવ્યા છે. આ ઉપરાંત બીજી ટેસ્ટ મેચમાં રમનાર રજત પાટીદાર પણ ફ્લોપ સાબિત થયો હતો.
3. બુમરાહનો કોઈ સાથી નથી
હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સાથે મોહમ્મદ સિરાજ પ્લેઇંગ-11નો ભાગ હતો. ત્યારબાદ વિશાખાપટ્ટનમમાં રમાયેલી ટેસ્ટ મેચમાં મુકેશ કુમાર બીજા પેસર તરીકે ભારતીય ટીમનો ભાગ હતો. પરંતુ બંને મેચમાં કોઈપણ બુમરાહનો સાથ આપી શક્યો ન હતો. બુમરાહે બંને મેચમાં શાનદાર બોલિંગ કરી પરંતુ તેના સાથી ફાસ્ટ બોલર લગભગ ફ્લોપ રહ્યા હતા.
4. ફિલ્ડિંગમાં સુધારાની જરૂર
અત્યાર સુધી રમાયેલી બંને ટેસ્ટમાં ભારત તરફથી ફિલ્ડિંગમાં કંઈ ખાસ જોવા મળ્યું નથી. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ફિલ્ડરોએ કેચ છોડીને ઓલી પોપને બે જીવનદાન આપ્યા હતા, ત્યારબાદ તેણે ઈંગ્લેન્ડને હારેલી મેચ જીતાડી હતી. આ સિવાય વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં સ્ટમ્પિંગ દ્વારા પોપને જીવનદાન મળ્યું હતું. આવી સ્થિતિમાં ભારતીય ટીમે સીરિઝની બાકીની મેચો માટે ફિલ્ડિંગ વિભાગમાં સુધારો કરવો પડશે.