IND vs ENG: અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની 142 રનથી ભવ્ય જીત, ઈંગ્લેન્ડને કર્યું ક્લીન સ્વીપ
IND vs ENG : ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે મેચમાં ભારતે 142 રનથી શાનદાર જીત મેળવી છે. ભારતે ઇંગ્લેન્ડની ટીમને 214ના સ્કોર પર ઓલઆઉટ કરી દીધી હતી. ભારતીય ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડને 357 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ સાથે ભારતીય ટીમે ઘરઆંગણે રમાયેલી 3 મેચની વનડે સીરિઝમાં ઈંગ્લેન્ડને 3-0થી ક્લીન સ્વીપ કર્યું છે. ભારત તરફથી અર્શદીપ સિંહે, હર્ષિત રાણા, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટો ઝડપી હતી.
શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કરતા ફટકારી સદી
પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 356 રન બનાવ્યા હતા. શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કરતા સદી ફટકારી હતી. શુભમન ગિલે 102 બોલમાં 112 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 14 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત શ્રેયસ ઐયરે 64 બોલમાં 78 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. ઘણાં સમયથી ફોર્મથી બહાર ચાલી રહેલા વિરાટ કોહલીએ 55 બોલમાં 52 રનની સારી ઇનિંગ રમી હતી.
આદિલ રાશિદે ભારતની 4 વિકેટ ઝડપી
ઇંગ્લેન્ડના લેગ સ્પીનર આદિલ રાશિદે ભારતની 4 વિકેટ ઝડપી હતી. રાશિદે 10 ઓવરમાં 64 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય માર્ક વુડે બે વિકેટ ઝડપી હતી. જ્યારે સાકિબ મહમુદ, ગસ એટકિન્સન અને જો રૂટને એક-એક સફળતા મળી હતી.
ગિલ અને કોહલી વચ્ચે મહત્ત્વપૂર્ણ ભાગીદારી
ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરુઆત સારી રહી હતી. જો કે, કેપ્ટન રોહિત શર્મા માત્ર બે બોલ રમીને એક બોલમાં આઉટ થઇ ગયો હતો. ત્યાર બાદ શુભમન ગિલ અને વિરાટ કોહલીએ ઇનિંગને સંભાળતા મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. બંને ખેલાડીઓએ બીજી વિકેટ માટે 107 બોલમાં 116 રન કર્યા હતા. ત્યારબાદ ગિલ અને શ્રેયસ અય્યર વચ્ચે 93 બોલમાં 104ની ભાગીદારી થઇ હતી. કેએલ રાહુલે 29 બોલમાં 40 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ 50 ઓવરમાં 356 રન બનાવવામાં સફળ રહી હતી.