આઉટ થતા કોચ પાસે જઈ રડી પડ્યો ગિલ, 12 વર્ષ પછી નર્વસ 90માં રનઆઉટ થયો કોઈ ભારતીય
શુભમન ગિલે શાનદાર બેટિંગ કરતા 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 91 રન બનાવ્યા હતા
Image: Social Media |
Shubman Gill Run Out : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. આ મેચની બીજી ઇનિંગમાં ભારતીય બેટર શુભમન ગિલ રનઆઉટ થયો હતો. ગિલના રનઆઉટનું કારણ કુલદીપ યાદવ બન્યો હતો. નાઈટ વોચમેન તરીકે ત્રીજા દિવસે બેટિંગ કરવા આવેલા કુલદીપે ચોથા દિવસની શરૂઆતમાં ગિલનો પૂરો સાથ આપ્યો હતો પરંતુ તેની એક ભૂલને કારણે ગિલ 91ના અંગત સ્કોર પર રનઆઉટ થયો હતો. ગિલના ટેસ્ટ કરિયરનું આ પ્રથમ રનઆઉટ છે. શાનદાર લયમાં બેટિંગ કરી રહેલ ગિલ આ રનઆઉટ બાદ રડી પડ્યો હતો.
રનઆઉટ બાદ ગિલ ખુબ જ ગુસ્સામાં જોવા મળ્યો
શુભમન ગિલ ભારતીય ઇનિંગ્સની 64મી ઓવરમાં રનઆઉટ થયો હતો. ટોમ હાર્ટલીના છેલ્લા બોલ પર કુલદીપ આગળ વધીને મોટો શોટ મારવા માંગતો હતો, પરંતુ તે બોલને સારી રીતે ટાઈમ કરી શક્યો ન હતો. બોલ સીધો મિડ-વિકેટ પર ઊભેલા બેન સ્ટોક્સના હાથમાં ગયો. કુલદીપ યાદવે પહેલા એક રન માટે કોલ કર્યો, જેના પર ગિલ દોડ્યો, પરંતુ બાદમાં તેણે રન લેવાની ના પાડી દીધી. ગિલ લગભગ અડધી પિચ પર પહોંચી ગયો હતો, ત્યાંથી પરત ફરવું તેના માટે મુશ્કેલ હતું. તેણે પ્રયાસ કર્યો, પરંતુ સ્ટોક્સના સારા થ્રોને કારણે તે રનઆઉટ થયો. આ રનઆઉટ બાદ ગિલ ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો.
12 વર્ષ પછી એક ભારતીય નર્વસ 90માં રનઆઉટ થયો
કુલદીપ યાદવ નાઈટ વોચમેન તરીકે બેટિંગ કરવા આવ્યો હતો, આવી સ્થિતિમાં તેણે પોતાની વિકેટનું બલિદાન આપ્યું હોત તો સારું હોત. ગિલનો આ રીતે રનઆઉટ થવો એ ભારત માટે મોટો ઝાટકો છે. ગિલ 90ના સ્કોર પર રનઆઉટ થનાર છઠ્ઠો ભારતીય ખેલાડી બન્યો છે. 12 વર્ષ પછી એક ભારતીય નર્વસ 90માં રનઆઉટ થયો છે.
ટેસ્ટમાં 90ના સ્કોર પર રનઆઉટ થનારા ભારતીય ખેલાડીઓ
96 - વીનૂ માંકડ (1953)
99 - એમ. જયસિમ્હા (1960)
90 - ડી વેંગસરકર (1982)
96 - અજય જાડેજા (1997)
99 - એમએસ ધોની (2012)
91-શુભમન ગિલ (2024)*