IND vs ENG: રોહિત શર્માએ કેપ્ટનશિપમાં રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડ્યો, આ મામલે MS ધોનીની કરી બરાબરી
Image:BCCI (x)
નવી મુંબઇ,તા. 27 ફેબ્રુઆરી 2024, મંગળવાર
બાઝ બોલ સામે બેઝિક ક્રિકેટ રમીને રોહિત શર્માના સુકાની પદ હેઠળની ટીમે ઈંગ્લેન્ડને ઘરઆંગણે રમાઈ રહેલી ક્રિકેટ સીરિઝમાં 3-1થી પાછળ છોડી દીધી છે. સોમવારે ભારતીય ટીમે પાંચ મેચોની શ્રેણીની ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવીને સીરિઝ પોતાના નામે કરી છે. પ્રથમ ટેસ્ટમાં ભારે રોમાંચને અંતે હારમાંથી શીખીને ભારતીય ટીમે સતત ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવીને 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ 7 માર્ચથી ધર્મશાલામાં રમાશે. જોકે ચોથી ટેસ્ટની જીત સાથે જ કેપ્ટન રોહિત શર્માએ પોતાના જ ટીમના મુખ્ય કોચ અને પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધા છે. આ જીત સાથે રોહિત શર્મા ભારતનો દ્રવિડ સાથેનો સંયુક્ત પાંચમો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન બની ગયો છે. રાહુલ દ્રવિડે 25 ટેસ્ટમાં ભારતનું નેતૃત્વ કર્યું અને આઠમાં ભારતને જીત અપાવી હતી. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે 15 ટેસ્ટમાં 9મી જીત મેળવી છે.
આ જાયન્ટ્સની બરાબરી કરી :
રોહિત શર્માએ મન્સૂર અલી ખાન પટૌડી અને સુનીલ ગાવસ્કરના રેકોર્ડની બરાબરી કરી છે. પટૌડીએ 40 ટેસ્ટમાં ભારતને 9 જીત અપાવી હતી જ્યારે ગાવસ્કરે 47 ટેસ્ટમાં 9 જીત અપાવી હતી. જોકે આ મામલે કિંગ કોહલી સૌથી ટોપ પર છે. ભારતની સૌથી સફળ ટેસ્ટ કેપ્ટનશિપનો વિરાટ રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. કોહલીએ 68 ટેસ્ટમાં ટીમને 40માં અદ્દભુત જીત અપાવી છે.
તમને સવાલ થશે કે તો ધોની ક્યાં ? શું ધોની કરતા કોહલી આગળ ? જવાબ છે હા. ભારતને સૌથી વધુ ટેસ્ટ જીત અપાવવાના મામલે મહેન્દ્ર સિંઘ ધોની બીજા સ્થાને છે. ધોનીની આગેવાનીમાં ભારતે 60 ટેસ્ટમાંથી 27 ટેસ્ટમાં જીત મેળવી હતી. સૌથી સફળ ટેસ્ટ ક્રિકેટ કેપ્ટનની આ યાદીમાં 49માંથી 21 ટેસ્ટ જીત સાથે સૌરવ ગાંગુલી ત્રીજા સ્થાને છે. ત્યારબાદ મોહમ્મદ અઝહરુદ્દીને 47 ટેસ્ટમાં 14 જીત અપાવીને ચોથું સ્થાન હાલ જાળવી રાખ્યું છે.
જોકે હવે ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં રોહિત શર્મા પાસે ભારતનો પાંચમો સૌથી સફળ કેપ્ટન બનવાની મોટી તક છે. આ માટે ધર્મશાલામાં રમાનારી પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવવાની જરૂર રહેશે. જો ભારતીય ટીમ પાંચમી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવવામાં સફળ રહેશે તો રોહિત શર્માના નેતૃત્વમાં ભારતની આ 10મી જીત હશે.
વધુ એક રેકોર્ડ ધોનીના નામે :
રાંચી ટેસ્ટમાં શાનદાર જીત સાથે રોહિત શર્માએ એક ખાસ મામલે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે સતત ત્રણ ટેસ્ટ જીતી છે. આ પ્રકારની સિદ્ધિ હાંસલ કરનાર રોહિત ધોની, મોહમ્મદ અઝહરુદ્દીન અને અજિત વાડેકરની લિસ્ટમાં શામેલ થયો છે. આ મામલે પણ માત્ર કોહલી 18 ટેસ્ટમાં 10 જીત સાથે ભારતીય કેપ્ટન તરીકે રોહિત શર્મા કરતાં ઇંગ્લેન્ડ સામે વધુ ટેસ્ટ જીત્યો છે.