IND vs ENG: હૈદરાબાદ ટેસ્ટમાં બુમરાહનો ખાસ રેકોર્ડ, હરભજન અને કુંબલેને પણ પછાડ્યા
ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં બુમરાહે 4 વિકેટ ઝડપી
Image: Twitter |
Jasprit Bumrah Breaks Harbhajan Singh And Anil Kumble Record : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે હૈદરાબાદમાં ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર બોલિંગ કરી છે. તેણે આ મેચમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. બુમરાહે ભારત માટે 33 ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે હરભજન સિંહ અને અનિલ કુંબલેને પાછળ છોડી દીધા છે. બુમરાહે 33 ટેસ્ટ મેચમાં 146 વિકેટ ઝડપી છે.
બુમરાહે ભજ્જી અને કુંબલેને છોડ્યા પાછળ
ભારત માટે 33 ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ રવિચંદ્રન અશ્વિનના નામે છે. તેણે 33 ટેસ્ટ મેચમાં 183 વિકેટ ઝડપી છે. જયારે રવિન્દ્ર જાડેજા આ યાદીમાં બીજા નંબરે છે. જાડેજાએ 33 ટેસ્ટ મેચમાં 155 વિકેટ ઝડપી છે. હવે આ યાદીમાં બુમરાહ ત્રીજા નંબરે પહોંચી ગયો છે. તેના નામે 33 ટેસ્ટ મેચમાં 145 વિકેટ છે. જયારે હરભજન સિંહ અને અનિલ કુંબલેના નામે 33 ટેસ્ટ મેચમાં 144 -144 વિકેટ છે.
બુમરાહની ક્રિકેટ કારકિર્દી
બુમરાહની ક્રિકેટ કારકિર્દી અત્યાર સુધી શાનદાર રહી છે. તેણે 63 ટેસ્ટ ઇનિંગ્સમાં 146 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેનું શ્રેષ્ઠ પ્રદર્શન એક ઇનિંગમાં 27 રન આપીને 6 વિકેટ રહ્યું છે. બુમરાહે 89 વનડે મેચમાં 149 વિકેટ ઝડપી છે. તેણે ભારતીય ટીમ માટે 62 T20I મેચ પણ રમી છે. જેમાં 74 વિકેટ ઝડપી હતી.