IND vs ENG : 218 દિવસ બાદ ફરી રો'હિટ', રાજકોટમાં પહેલી અને ટેસ્ટમાં 11મી સદી, જો રુટને પછાડ્યો
સક્રિય ક્રિકેટરોમાં વિરાટ કોહલીના નામે સૌથી વધુ સદી છે
Rohit Sharma 11th Test Century : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. આ મેચમાં રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભારતની શરૂઆત સારી રહી ન હતી. ભારતે 33 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી કેપ્ટન રોહિત શર્માએ ઇનિંગ સંભાળી અને ધીરજ સાથે પોતાની ઇનિંગ આગળ વધારવાની શરૂઆત કરી અને 218 દિવસ બાદ સદી ફટકારી હતી. રોહિત શર્માએ રાજકોટમાં તેના ટેસ્ટ કરિયરની 11મી સદી ફટકારી હતી.
રોહિતે ટેસ્ટ ક્રિકેટમાં ફટકારી 11મી સદી
રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લે વેસ્ટ ઇન્ડિઝ સામે જુલાઈ 2023માં સદી ફટકારી હતી. રોહિત શર્માએ તેના ટેસ્ટ કરિયરની આ 11મી સદી 158 બોલમાં ફટકારી હતી. આ દરમિયાન તેણે 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. રાજકોટમાં આ રોહિતની પ્રથમ સદી છે. જયારે ઇંગ્લેન્ડ સામે આ તેની ત્રીજી ટેસ્ટ સદી છે. રોહિત શર્માએ ચેન્નઈમાં ફેબ્રુઆરી 2021માં ઈંગ્લેન્ડ સામે તેના ટેસ્ટ કરિયરની પ્રથમ સદી ફટકારી હતી અને 161 રનની ઈનિંગ રમી હતી અને ત્યારબાદ તેણે સપ્ટેમ્બર 2021માં બીજી સદી ફટકારી હતી અને 127 રનની ઈનિંગ રમી હતી.
જો રૂટને છોડ્યો પાછળ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિત શર્માની આ 47મી સદી હતી અને તે સક્રિય ખેલાડીઓમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટર્સની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ સાથે તેણે જો રૂટને પાછળ છોડી દીધો છે. સક્રિય ક્રિકેટરોમાં વિરાટ કોહલીના નામે સૌથી વધુ 80 સદી છે, જ્યારે ડેવિડ વોર્નર 49 સદી સાથે બીજા સ્થાને છે. જો રૂટ હવે 46 સદી સાથે ચોથા સ્થાને આવી ગયો છે.