IND vs ENG : રાંચી ભારતનો અભેદ્ય કિલ્લો, ઇંગ્લેન્ડ સામે ટેસ્ટમાં થશે પહેલીવાર ટક્કર
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સીરિઝની ચોથી મેચ રાંચીમાં 23 ફેબ્રુઆરીના રોજ રમાનાર છે
રોહિત શર્માએ રાંચીના મેદાન પર સાઉથ આફ્રિકા સામે બેડાવી સદી ફટકારી હતી
Image:Twitter |
IND vs ENG 4th Test : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની ચોથી મેચ રાંચીમાં રમાશે. બંને ટીમો વચ્ચે 23 ફેબ્રુઆરીથી JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં ટક્કર થશે. ઈંગ્લેન્ડે હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ જીતીને સીરિઝની ધમાકેદાર શરૂઆત કરી હતી. જે બાદ ભારતીય ટીમે શાનદાર વાપસી કરતા વિશાખાપટ્ટનમ અને રાજકોટમાં રમાયેલી ટેસ્ટ મેચો જીતીને સીરિઝમાં 2-1ની લીડ મેળવી હતી.
ભારતની નજર અજેય લીડ મેળવવા અપર રહેશે
રાંચીમાં ભારતીય ટીમની નજર ચોથી મેચ જીતીને સીરિઝમાં અજેય લીડ મેળવવા પર રહેશે. આ સાથે જ ઈંગ્લેન્ડની ટીમ સીરિઝમાં ટકી રહેવા માટે જીત અથવા ડ્રોની આશા રાખશે. રાંચી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું ઘર છે. અહીં ભારતીય ટીમ અત્યાર સુધી એક પણ ટેસ્ટ મેચ હારી નથી. આ સાથે જ ઈંગ્લેન્ડ પ્રથમ વખત ધોનીના શહેરમાં ટેસ્ટ મેચ રમશે.
ભારત ક્યારેય ન હારવાનો પોતાનો રેકોર્ડ જાળવી રાખવા રાંચીના મેદાનમાં ઉતરશે
રાંચીમાં અત્યાર સુધી બે ટેસ્ટ મેચ રમાઈ છે. પ્રથમ ટેસ્ટ મેચ વર્ષ 2017માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. તે મેચ ડ્રો રહી હતી. જ્યારે બીજી ટેસ્ટ મેચ વર્ષ 2019માં યોજાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું. ભારત આ મેદાન પર ક્યારેય ન હારવાનો પોતાનો રેકોર્ડ જાળવી રાખવાની કોશિશ કરશે.
જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામે રાંચીમાં કુલ 9 વિકેટ ઝડપી હતી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જયારે વર્ષ 2017માં રાંચીમાં ટક્કર થઇ હતી ત્યારે રવિન્દ્ર જાડેજાનો જાદુ જોવા મળ્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. જે બાદ તેણે ભારત માટે પ્રથમ ઇનિંગમાં અણનમ 54 રન પણ બનાવ્યા હતા. જાડેજાએ બીજી ઇનિંગમાં પણ શાનદાર બોલિંગ કરી 4 વિકેટ ઝડપી હતી. આ સાથે જ રવિચંદ્રન અશ્વિને બંને ઇનિંગ્સમાં એક-એક વિકેટ લીધી હતી.
રાંચીમાં રોહિતે ફટકારી હતી બેવડી સદી
સાઉથ આફ્રિકા સામે વર્ષ 2019માં રમાયેલી ટેસ્ટ મેચમાં રોહિત શર્માએ બેવડી સદી ફટકારી હતી. તેણે પ્રથમ ઇનિંગમાં 212 રન બનાવ્યા હતા. જાડેજાએ 51 અને અશ્વિને 14 રન બનાવ્યા હતા. બોલિંગમાં જાડેજાએ પ્રથમ ઇનિંગમાં બે વિકેટ ઝડપી હતી. તેને બીજી ઇનિંગમાં એક વિકેટ મળી હતી. અશ્વિનને પ્રથમ ઇનિંગમાં સફળતા મળી ન હતી. પરંતુ તેણે બીજી ઇનિંગમાં એક વિકેટ ઝડપી હતી. ભારતે આ મેચ એક ઇનિંગ અને 202 રને જીતી લીધી હતી.
રોહિતના નામે સૌથી વધુ રન
રાંચીમાં સૌથી વધુ રન બનાવનાર બેટર રોહિત શર્મા છે. રોહિતના નામે 212 રન છે. તેના પછી ચેતેશ્વર પુજારા બીજા સ્થાને છે. તેણે બે મેચમાં 202 રન બનાવ્યા છે. જાડેજાએ બે મેચમાં 105 રન બનાવ્યા છે. આ મેદાન પર સૌથી વધુ રન બનાવવાના મામલે જાડેજા સાતમા સ્થાને છે. બોલિંગમાં જાડેજા નંબર-1 છે. તેણે બે મેચમાં 12 વિકેટ ઝડપી છે. અશ્વિને 2 મેચોમાં 3 વિકેટ લીધી છે.