IND vs ENG: રાજકોટમાં અત્યાર સુધી ટેસ્ટ મેચ નથી હાર્યું ભારત, ઇંગ્લેન્ડ સામે સાત વર્ષ બાદ થશે ટક્કર
વર્ષ 2016માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં રમાયેલી ટેસ્ટ ડ્રો રહી હતી
Image:Twitter |
IND vs ENG 3rd Test : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 5 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાશે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને હરાવ્યું હતું. જે બાદ ભારતે વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટ જીતી સીરિઝ 1-1થી બરાબર કરી હતી. હવે રાજકોટમાં રમાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં બંને ટીમોની નજર સીરિઝમાં લીડ મેળવવા પર રહેશે. આ મેદાન પર ભારતનો રેકોર્ડ શાનદાર છે.
ભારતે રાજકોટમાં 2 ટેસ્ટ મેચ રમી
રાજકોટમાં અત્યાર સુધીમાં ભારતીય ટીમે બે ટેસ્ટ મેચ રમી છે. અહીં પ્રથમ ટેસ્ટ મેચ નવેમ્બર 2016માં રમાઈ હતી. આ મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચ ડ્રો થઈ હતી. તે મેચમાં ઈંગ્લેન્ડના જો રૂટ અને બેન સ્ટોક્સે પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી. બંને ખેલાડીઓ આ વખતે ટીમના સભ્ય છે. જ્યારે ભારત તરફથી મુરલી વિજય અને ચેતેશ્વર પુજારાએ સદી ફટકારી હતી. આ વખતે આ બંને ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.
અશ્વિન અને જાડેજા પાસે રાજકોટમાં રમવાનો અનુભવ
રાજકોટમાં 7 વર્ષ અને 3 મહિના પહેલા ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ મેચ રમનારા ખેલાડીઓમાંથી વર્તમાન ટીમમાં 4 ખેલાડીઓ સામેલ છે. કેપ્ટન બેન સ્ટોક્સ, જો રૂટ, બેન ડકેટ અને જોની બેયરસ્ટોને રાજકોટના મેદાન પર ટેસ્ટ રમવાનો અનુભવ છે. ભારતીય ટીમની વાત કરીએ તો તે મેચમાં માત્ર રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા જ રમ્યા હતા. અશ્વિને તે મેચની બંને ઇનિંગ્સમાં 3-3 વિકેટ લીધી હતી. જયારે જાડેજાએ પણ 3 વિકેટ લીધી હતી.
ભારતે વર્ષ 2018માં વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું
આ પછી વર્ષ 2018માં ભારતીય ટીમ બીજી વખત રાજકોટમાં રમી હતી. અહીં તેણે વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે એક ઇનિંગ અને 272 રને જીત મેળવી હતી. આ જ મેચમાં પૃથ્વી શોએ પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી. વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ પણ સદી ફટકારી હતી. તે મેચમાં રમનાર અશ્વિન, જાડેજા અને કે.એલ રાહુલ આ વખતે પણ ટીમમાં સામેલ છે. અશ્વિને પ્રથમ ઇનિંગમાં 4 અને બીજી ઈનિંગમાં 2 વિકેટ ઝડપી હતી. જાડેજાએ પ્રથમ ઇનિંગમાં 1 અને બીજી ઈનિંગમાં 3 વિકેટ ઝડપી હતી. કે.એલ રાહુલ પ્રથમ ઇનિંગમાં ખાતું ખોલાવી શક્યો ન હતો.
સીરિઝની બાકીની ત્રણ મેચો માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (C), જસપ્રીત બુમરાહ (VC), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કે.એલ રાહુલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (wkt), કે.એસ ભરત (wkt), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપ