IND vs ENG: શમીની વાપસી થાય તો આ ખેલાડીને ટીમની બહાર કરાશે, બીજી મેચમાં આવી હોઈ શકે છે પ્લેઈંગ-11
IND vs ENG : ઇંગ્લેન્ડ સામે હાલમાં રમાઈ રહેલી T20I સીરિઝમાં ભારતે સારી શરૂઆત કરી છે. સીરિઝની પહેલી મેચ ભારતે જીતી લીધી હતી. હવે પછીની બીજી મેચ શનિવારે ચેન્નાઈ ખાતે રમાશે. આ દરમિયાન સૂર્યાકુમાર યાદવ હેઠળની ભારતીય ટીમ બીજી મેચમાં પ્લેયિંગ-11માં ફેરફાર કરી શકે છે. મોહમ્મદ શમીની ટીમમાં વાપસી થઇ શકે છે. ઈજાગ્રસ્ત થવાને કારણે શમી ઘણાં સમયથી ટીમથી બહાર ચાલી રહ્યો છે.
શમીને જગ્યાએ રવિ બિશ્નોઈને અપાઈ શકે છે આરામ
જો શમીને પ્લેયિંગ-11માં સ્થાન મળશે તો રવિ બિશ્નોઈને આરામ આપવામાં આવી શકે છે. બિશ્નોઈએ પહેલી મેચમાં ઇંગ્લેન્ડ સામે 4 ઓવર ફેંકી હતી, જેમાં તેણે 22 રન આપ્યા હતા. પરંતુ તે એક પણ વિકેટ લઇ શક્યો ન હતો. ભારત માટે વરુણ ચક્રવર્તીએ ઘાતક બોલિંગ કરી હતી. તેણે 3 વિકેટ ઝડપી હતી. હવે વરુણ બીજી મેચમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે.
આ પણ વાંચોઃરણજીમાં રવીન્દ્ર જાડેજાનો તરખાટ! 50 બોલમાં એક પણ રન ન આપ્યો, એક જ મેચમાં 12 વિકેટો ઝડપી
બીજી મેચ માટે શમી ગેમ ચેન્જર
ભારતીય ટીમ માટે બીજી મેચમાં શમી ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. તે અત્યાર સુધીમાં ભારત માટે 23 T20I મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 24 વિકેટ ઝડપી હતી. વનડે ફોર્મેટમાં તેણે 101 મેચમાં 195 વિકેટ ઝડપી છે. શમીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પણ ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે પહેલાથી જ તૈયારી કરી શકે તે માટે શમીને T20Iમાં રમવાની તક આપવામાં છે. જો કે, તે ઇંગ્લેન્ડ સામેની પહેલી મેચમાં પ્લેયિંગ-11માં સામેલ થઇ શક્યો ન હતો. પરંતુ હવે તેને બીજી મેચમાં તક મળી શકે છે.
બીજી T20I મેચ માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન : અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ શમી.