Get The App

'ગોલ્ફ ટૂર નહીં, ક્રિકેટ ટૂર હતી...', ભારત સામે ઈંગ્લેન્ડના કારમા પરાજય પર ભડક્યો દિગ્ગજ

Updated: Feb 13th, 2025


Google NewsGoogle News
'ગોલ્ફ ટૂર નહીં, ક્રિકેટ ટૂર હતી...', ભારત સામે ઈંગ્લેન્ડના કારમા પરાજય પર ભડક્યો દિગ્ગજ 1 - image

IND Vs ENG, Kevin Pietersen : ભારતીય પ્રવાસ પર જોશ બટલરના નેતૃત્વમાં ઇંગ્લેન્ડની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે ઇંગ્લેન્ડને પાંચ મેચોની T20I અને ત્રણ મેચોની વનડે સીરિઝમાં કારમી હાર આપી છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામેની T20I સીરિઝમાં 4-1થી જીતી હતી. તો બીજી તરફ રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે વનડેમાં ઇંગ્લેન્ડ સામે ક્લીન સ્વીપ કર્યું હતું. અમદાવાદ ખાતે રમાયેલી સીરિઝની ત્રીજી મેચમાં ભારતે 142 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. આ મેચમાં કોમેન્ટ્રી દરમિયાન પૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ ખુલાસો કર્યો હતો કે, 'ઇંગ્લેન્ડના ખેલાડીઓએ પૂરી સીરિઝમાં માત્ર એક જ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો.' હવે આ નિવેદનને લઈને ઇંગ્લેન્ડ ટીમના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને પ્રતિક્રિયા આપી છે. 

પૂર્વ કેપ્ટન કેવિન પીટરસન ઈંગ્લીશ ટીમ પર ભડક્યો

ઇંગ્લેન્ડની હાર બાદ પૂર્વ કેપ્ટન કેવિન પીટરસન ટીમ પર ભડકી ગયો હતો અને તેણે કહ્યું હતું કે, 'રવિ શાસ્ત્રી અને હું ચર્ચા કરી રહ્યા હતા કે આ લોકોએ (ઇંગ્લેન્ડ ટીમના ખેલાડીઓ) છેલ્લે ગયા અઠવાડિયે પ્રેક્ટિસ કરી હશે. તેમણે માત્ર નાગપુર મેચના એક દિવસ પહેલા પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેમણે અત્યાર સુધીમાં પ્રેક્ટિસ જ નથી કરી. ફક્ત એક બેટર જો રૂટે નેટ પર પ્રેક્ટિસ કરી હતી. મને અફસોસ છે પરંતુ તમે ભારતમાં આવીને આ પ્રકારની ભૂલ ન કરી શકો. કોઈ પણ ખેલાડી એ પછી પુરુષ હોઈ કે મહિલા, એવું નથી કે કોઈ સીરિઝમાં જઈને નક્કી કરી લે કે પ્રેક્ટિસ વિના પણ હું સારું પ્રદર્શન કરી શકીશ. મને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે. જ્યારે મેં સાંભળ્યું કે ઇંગ્લેન્ડે પહેલી મેચ બાદ પ્રેક્ટિસ કરી નથી ત્યારે હું સંપૂર્ણપણે ચોંકી ગયો.' 

ગોલ્ફ ટૂર નથી, આ ક્રિકેટ ટૂર છે!

પીટરસને નિરાશાજનક હાર છતાં નેટ સેશનમાં હાજરી આપવાને બદલે 'ગોલ્ફ' રમતા ઇંગ્લિશ ખેલાડીઓ પર પણ કટાક્ષ કર્યો હતો. ભૂતપૂર્વ કેપ્ટને કહ્યું હતું કે, 'હું સમજું છું, તમે તેનો આનંદ માણો. આ તમારા જીવનનો શ્રેષ્ઠ સમય છે. ગોલ્ફ રમો, તમારો શ્રેષ્ઠ સમય વિતાવો. ઇંગ્લેન્ડ માટે રમવું ખરેખર મજાનું છે. પરંતુ સાચું કહું તો તમને રન બનાવવા માટે પૈસા મળે છે. ક્રિકેટ મેચ જીતવા માટે પૈસા મળે છે. તમને ગોલ્ફ રમવા માટે પૈસા મળતા નથી. આ ગોલ્ફ ટૂર નથી, આ ક્રિકેટ ટૂર છે.'

આ પણ વાંચો:  VIDEO: મેદાન પર પાકિસ્તાની ખેલાડીઓ ખેલભાવના ભૂલ્યાં, વિરોધી ટીમના કેપ્ટન સાથે જુઓ શું કર્યું?

ઈંગ્લીશમેનના દૃષ્ટિકોણથી પીટરસન દુ:ખી

T20I સીરિઝ દરમિયાન ઇંગ્લેન્ડના બેટર હૈરી બ્રુકે કોલકાતાની હવાની ખરાબ ગુણવતા અંગે ટીકા કરી હતી. તેણે કહ્યું હતું કે, 'કોલકાતામાં સ્મોગ વધુ છે, જેનાથી બોલને સમજવામાં મુશ્કેલી થાય છે.' આ મેચમાં વરુણ ચક્રવર્તીએ તેની વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડના ખેલાડીઓ દ્વારા ભારતનું અપમાન કરવાને લઈને પીટરસને ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 'નાં, સાચે જ, મને આ કહેતા ખૂબ દુખ થઇ રહ્યું છે કે તેઓ ભારતીય પરિસ્થિતિ અને ભારતનું આ રીતે અપમાન કરી રહ્યા છે. ઈંગ્લીશમેન આ પ્રકારના દૃષ્ટિકોણથી હું ખુબ દુ:ખી છું.'

'ગોલ્ફ ટૂર નહીં, ક્રિકેટ ટૂર હતી...', ભારત સામે ઈંગ્લેન્ડના કારમા પરાજય પર ભડક્યો દિગ્ગજ 2 - image



Google NewsGoogle News