IND VS ENG: ભારતે જીતી T20 સીરિઝની પહેલી મેચ, ઇંગ્લૅન્ડને 7 વિકેટથી હરાવ્યું, અભિષેકે કર્યો રનોનો વરસાદ
IND VS ENG: ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની પ્રથમ ટી-20 મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ મેદાનમાં રમાઈ હતી. આ મેચ ટીમ ઇન્ડિયાએ 7 વિકેટથી જીતી લીધી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી, ભારતીય ટીમ સામે ઇંગ્લૅન્ડની ટીમ 20 ઓવરમાં ઓલઆઉટ થઈ માત્ર 133 રનનો સામાન્ય ટાર્ગેટ આપી શકી હતી. જે ટાર્ગેટ ભારતે માત્ર 12.5 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો.
ટીમ ઇન્ડિયા 7 વિકેટથી મેચ જીતી
ભારત તરફથી અભિષેક શર્માએ 79 રન (34 બોલ), સંજુ સેમસને 26 રન (20 બોલ), કૅપ્ટન સૂર્યકુમાર યાદવ શૂન્ય (3 બોલ) પર આઉટ થયા હતા. અભિષેકના આઉટ થયા બાદ તિલક વર્માએ અણનમ 19 રન (16 બોલ) અને હાર્દિક પંડ્યાએ અણનમ ત્રણ રન (4 બોલ) બનાવ્યા હતા. આ દરમિયાન અભિષેક અને તિલક વચ્ચે ત્રીજા વિકેટ માટે 42 રનમાં 84 રનની ભાગીદારી થઈ હતી. અભિષેકની ઇનિંગના સહારે ભારતીય ટીમ ઇંગ્લૅન્ડ સામેની પાંચ મેચની T-20 સીરિઝની પહેલી મેચ 7 વિકેટે જીતી હતી. હાલ ભારત સીરિઝમાં 1-0થી આગળ છે. હવે બીજી મેચ 25 જાન્યુઆરીએ ચેન્નાઇમાં રમાશે.
ભારતીય ટીમ સામે ઇંગ્લૅન્ડની શરણાગતિ
ઇંગ્લૅન્ડની ટીમની શરુઆત ખૂબ જ ખરાબ રહી. શરુઆતથી જ અર્શદીપ સિંહે ઇંગ્લૅન્ડ ટીમને ઘૂંટણિયે લાવી દીધી હતી. તેણે પહેલી જ ઓવરમાં ફિલ સોલ્ટને પોતાનો શિકાર બનાવ્યો. આ પછી, ઇનિંગની ત્રીજી ઓવરમાં બેન ડકેટ રિંકુ સિંહના હાથે કેચ આઉટ થયો. ભારત તરફથી વરુણ ચક્રવર્તીએ ત્રણ, અર્શદીપ સિંહે બે, અક્ષર પટેલે બે અને હાર્દિક પંડ્યાએ બે વિકેટ ઝડપી હતી. બેટિંગની વાત કરીએ તો શરુઆતમાં ભારતની સ્થિતિ પણ ખરાબ જોવા મળી રહી હતી. સંજૂ સેમસન 20 બોલમાં 26 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. કૅપ્ટન સૂર્યકુમાર યાદવ પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. જોકે, ત્યાર બાદ અભિષેક શર્માએ મેદાન પર આવી મોરચો સંભાળ્યો હતો અને 34 બોલમાં 79 રન ફટકારી ભારતને જીત અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
મોહમ્મદ શમીને રાહ જોવી પડશે
આ શ્રેણીથી ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ટીમ ઇન્ડિયામાં વાપસી કરી રહ્યો છે. પરંતુ પ્રથમ T20 મેચમાં શમીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નહોતો જેના કારણે ફરીથી તેની ફિટનેસ અંગે પ્રશ્નો ઊભા થયા હતા અને ફેન્સને ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેના રમવા અંગે પણ શંકા જાગી છે.
ઇડન ગાર્ડન્સમાં અત્યાર સુધીમાં ભારતીય ટીમે કુલ 8 T20 મેચ રમી છે જેમાંથી માત્ર એકમાં જ પરાજય થયો છે અને એક અનિર્ણિત રહી છે. જે એક મેચમાં ટીમનો પરાજય થયો હતો તેમાં પ્રતિસ્પર્ધી ટીમ ઇંગ્લૅન્ડ જ હતી. 5 મેચની આ શ્રેણીમાં ભારતે પહેલી મેચ જીતી લીધી છે. વર્તમાન ટીમમાં મોટાભાગના ક્રિકેટર્સ એવા છે જેમને ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી. તેથી આ ખેલાડીઓ પોતાને આંતરરાષ્ટ્રીય સ્તરે સાબિત કરવાની મહેનત કરી રહ્યા છે.
ભારતીય પ્લેઇંગ 11: અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ રેડ્ડી, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી અને અર્શદીપ સિંહ.
ઇંગ્લૅન્ડની પ્લેઇંગ 11: બેન ડકેટ, ફિલ સોલ્ટ (વિકેટકીપર), જોસ બટલર (કૅપ્ટન), હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, જેમી ઓવરટન, ગસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને માર્ક વુડ.