VIDEO : ઓલી પોપની વિકેટમાં ધ્રુવ જુરેલની મહત્વની ભૂમિકા, એવું કર્યું કે ધોનીની યાદ અપાવી
કુલદીપ યાદવે ઇંગ્લેન્ડના ત્રણ બેટરોને પવેલિયન ભેગા કર્યા
Image:Twitter |
Dhruv Jurel Stumped Ollie Pope : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ધર્મશાલામાં ટેસ્ટ સીરિઝની પાંચમી અને છેલ્લી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. જેક ક્રોલી અને બેન ડકેટે ઇંગ્લેન્ડને સારી શરૂઆત અપાવી અને પ્રથમ વિકેટ માટે 64 રન જોડ્યા હતા. કુલદીપ યાદવે ભારતને બેન ડકેટના રૂપમાં પ્રથમ વિકેટ અપાવી હતી. પછી લંચ પહેલા કુલદીપે તેની બીજી વિકેટ લીધી અને ઓલી પોપને સ્ટમ્પ કરાવ્યો. પરંતુ પોપની આ વિકેટમાં કુલદીપ કરતાં વિકેટકીપર ધ્રુવ જુરેલની ભૂમિકા વધુ હતી. કુલદીપ યાદવે જે રીતે ઓલી પોપની વિકેટ લીધી અને જે રીતે જુરેલ દ્વારા સ્ટમ્પિંગ કરવામાં આવી હતી. તેણે ધોનીની યાદ અપાવી હતી.
ધ્રુવ જુરેલે ધોની જેવું કામ કર્યું
કુલદીપ યાદવે એમએસ ધોનીના કાર્યકાળ દરમિયાન ડેબ્યુ કર્યું હતું. તે ઘણીવાર કહેતો હતો કે તેને સ્ટમ્પ પાછળથી માહી ભાઈનો સપોર્ટ મળે છે. જ્યારે ધોની નિવૃત્ત થયો ત્યારે અચાનક કુલદીપનો બોલિંગ ગ્રાફ નીચે આવી ગયો હતો. જો કે છેલ્લા એક-બે વર્ષમાં તેણે વાપસી કરી છે. ધ્રુવ જુરેલે ધોની જેવું કામ કર્યું અને વિકેટ બોલ પહેલા કુલદીપને કહ્યું, 'આગે બઢેગા...આગે બઢેગા...' આ પછી તરત જ, કુલદીપે એક ગુગલી બોલ નાખ્યો અને જુરેલે ઝડપથી બેલ્સ ઉડાવી દીધા.
કુલદીપ યાદવે ભારત માટે ત્રણ વિકેટ ઝડપી
કુલદીપે પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમને પ્રથમ ત્રણ વિકેટ અપાવી હતી. ઈંગ્લેન્ડે 3 વિકેટ ગુમાવીને 145 રન બનાવી લીધા હતા. કુલદીપ યાદવે ઝેક ક્રોલીને પવેલિયન પરત કરીને ભારતને ત્રીજી સફળતા આપવી હતી. ક્રોલીએ 108 બોલમાં 79 રન બનાવ્યા હતા. જ્યારે જો રૂટ 18 રન બનાવીને રમી રહ્યો છે.