Get The App

IND vs ENG: ધર્મશાલામાં ‘લિટલ’ જયસ્વાલ પાસે ‘વિરાટ’ કીર્તિમાન સ્થાપવાની તક

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
IND vs ENG: ધર્મશાલામાં ‘લિટલ’ જયસ્વાલ પાસે ‘વિરાટ’ કીર્તિમાન સ્થાપવાની તક 1 - image


નવી દિલ્હી,તા. 1 માર્ચ 2024, શુક્રવાર 

ઈંગ્લેન્ડ સામેની ઘરઆંગણે રમાઈ રહેલી પાંચ ટેસ્ટની સીરિઝમાં ભારતે 3-1ની અજેય જીત હાંસલ કરી લીધી છે. સીરિઝ ભારતે જીતી લીધી છે છતા પાંચમી મેચમાં ધર્મશાલામાં રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ પાસે 112 વર્ષ જૂનો એક રેકોર્ડ તોડવાની તક તો રહેલી જ છે સાથે-સાથે સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલ એક અનોખી યશકલગી પોતાના શિરે શોભાવી શકે છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાલામાં યોજાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલની નજર નવો ઈતિહાસ રચવા પર હશે. ઇંગ્લેન્ડ સામે ભારતની આ ટેસ્ટ સીરિઝ જીતમાં યશસ્વીનો અમૂલ્ય ફાળો છે. 4 મેચની 8 ઇનિંગ્સમાં તેણે 93.57ની આશ્ચર્યજનક એવરેજથી 655 રન બનાવ્યા છે. આ સ્કોરમાં એક બેવડી સદી સાથે 214 રન અણનમનો તેના ક્રિકેટ ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ સ્કોર પણ નોંધાવ્યો છે. જોકે ધર્મશાલામાં યશસ્વીની બેટમાંથી રનોનો ખડકલો થશે તો સર સુનીલ ગાવસ્કરનો રેકોર્ડ તોડી શકશે. આગામી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં જો યશસ્વી 120 રન બનાવવામાં સફળ થશે તો ભારતીય બેટ્સમેન તરીકે એક સીરિઝમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ યશસ્વીના નામે નોંધાઈ જશે. 

સુનીલ ગાવસ્કરના નામે છે રેકોર્ડ :

સુનીલ ગાવસ્કરે ટેસ્ટ શ્રેણીમાં બે વખત 700 રનનો આંકડો પાર કર્યો છે. લિટલ માસ્ટરે વેસ્ટ ઈન્ડિઝ સામેની 1971ની ટેસ્ટ શ્રેણી દરમિયાન 154.80ની અવિશ્વસનીય અદ્દભુત સરેરાશ સાથે 4 મેચમાં 774 રન ફટકાર્યા હતા. 1978માં રમાયેલી શ્રેણીમાં તેમણે 6 મેચમાં 91.50ની એવરેજથી 732 રન બનાવ્યા હતા. સુનીલ ગાવસ્કર છેલ્લા 53 વર્ષથી આ રેકોર્ડ પર રાજ કરી રહ્યા છે. એક સીરિઝમાં કિંગ કોહલી ચોક્કસપણે તેમની નજીક આવ્યા હતા પરંતુ તે ગાવસ્કરનો રેકોર્ડ તોડી શક્યો નહીં. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે 2014-15 બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 4 મેચની 8 ઈનિંગમાં 86.50ની એવરેજથી 692 રન બનાવ્યા હતા, જ્યારે ઈંગ્લેન્ડ સામે 2016-17ની ટેસ્ટ શ્રેણીમાં 655 રન બનાવ્યા હતા. આ સાથે જો બંને ઈનિંગમાં માત્ર 1 રન પણ બનાવશે તો વિરાટ કોહલીનો એક સીરીઝમાં ઈંગ્લેન્ડ સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ તૂટશે.

ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય -

સુનીલ ગાવસ્કર- 774 વિ. વેસ્ટ ઈન્ડિઝ

સુનીલ ગાવસ્કર- 732 વિ. વેસ્ટ ઈન્ડિઝ

વિરાટ કોહલી- 692 વિ. ઓસ્ટ્રેલિયા

વિરાટ કોહલી- 655 વિ. ઈંગ્લેન્ડ

યશસ્વી જયસ્વાલ- 655* વિરુદ્ધ ઈંગ્લેન્ડ

ભારત 112 વર્ષ જૂનો રેકોર્ડ તોડશે ?

પ્રવાસી ટીમ સામે ભારત માત્ર પ્રથમ હૈદરાબાદ ટેસ્ટ મેચ જ હાર્યું હતુ. બાદ રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ટીમે કમબેક કરીને વિશાખાપટ્ટનમ, રાજકોટ અને અંતે રાંચીમાં બ્રિટિશરોને ધૂંટણિયે પાડ્યા હતા. હવે ધર્મશાલામાં પણ જો ભારત 4-1ની સિદ્ધિ હાંસલ કરી લેશે તો ભારતીય ટીમ પાસે 112 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની તક છે. 112 વર્ષ બાદ પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં પ્રથમ મેચ હાર્યા બાદ બાકીની ચાર મેચ જીતનારી બીજી ટીમ ભારત બની શકે છે.

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ત્રણ વખત બન્યું આવું

આ પહેલા ઈંગ્લેન્ડે વર્ષ 1912માં આ કારનામું કર્યું હતું. ટેસ્ટ ઈતિહાસની વાત કરીએ તો અત્યાર સુધીમાં ત્રણ વખત આવું બન્યું છે જેમાં ઓસ્ટ્રેલિયા બે વખત વર્ષ 1897-1898 અને 1901-1902માં આ કારનામું કરી ચૂક્યું છે અને ઈંગ્લેન્ડે 1912માં આવું પરાક્રમ કર્યું હતું.


Google NewsGoogle News