ભારત સામે હાર બાદ ઈંગ્લેન્ડ ટીમમાં કરાયો ફેરફાર, ઘાતક ઑલરાઉન્ડરની એન્ટ્રી, જુઓ નવી પ્લેઈંગ 11
IND Vs ENG : ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમને ભારત સામેની પહેલી T20I મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કોલકાતા ખાતે રમાયેલી આ મેચમાં ભારતે 7 વિકેટે ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. હવે સીરિઝની બીજી મેચ ચેન્નાઈ ખાતે રમાશે. ઇંગ્લેન્ડની ટીમે આ મેચ માટે પોતાની પ્લેયિંગ-11માં ફેરફાર કર્યો છે. ઇંગ્લેન્ડે ગસ એટકિન્સનને બહારનો રસ્તો બતાવી દીધો છે. તેના સ્થાને, એક ઓલરાઉન્ડર ખેલાડીને પ્લેઇંગ-11માં તક આપવામાં આવી છે.
આ ખેલાડીને ઈંગ્લીશ ટીમમાંથી બહાર કરાયો
પહેલી T20Iમાં ઈંગ્લેન્ડને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલા બેટિંગ કરતા ટીમ 132 રનમાં સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. સામે જવાબમાં ભારતે 12.5 ઓવરમાં મેચ જીતી લીધી હતી. આ મેચમાં ઇંગ્લેન્ડનો ગસ એટકિન્સન ખૂબ મોંઘો સાબિત થયો. તેણે માત્ર 2 ઓવરમાં 38 રન આપ્યા હતા. એટકિન્સનની ઈકોનોમી 19 રહી હતી. હવે તે ચેન્નાઈ T20I મેચની પ્લેઇંગ-11માંથી બહાર થઇ ગયો છે.
બ્રાયડન કાર્સને અપાઈ તક
એટકિન્સનની જગ્યાએ ઈંગ્લીશ ટીમે બ્રાયડન કાર્સને તક આપી છે. તેનો અત્યાર સુધીમાં શાનદાર રેકોર્ડ રહ્યો છે. કાર્સે અત્યાર સુધીમાં ઇંગ્લેન્ડ માટે 4 T20I મેચ રમી છે. જેમાં તેણે 6 વિકેટ ઝડપી હતી. જો કે, તેને આ દરમિયાન તેને બેટિંગ કરવાની તક મળી ન હતી. તે વનડે ફોર્મેટમાં 19 મેચ રમી ચૂક્યો છે. આ સિવાય તેણે 78 ઘરેલું મેચ પણ રમી છે. આ દરમિયાન તેણે 44 વિકેટ ઝડપી હતી.
ઇંગ્લેન્ડની જાહેર કરાયેલી પ્લેઇંગ-11: બેન બેકેટ, ફિલ સોલ્ટ (વિકેટકીપર), જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, જેમી ઓવરટન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ.
શમીની ભારતીય ટીમમાં થઇ શકે છે વાપસી
આ દરમિયાન સૂર્યાકુમાર યાદવ હેઠળની ભારતીય ટીમ પણ બીજી મેચમાં પ્લેયિંગ-11માં ફેરફાર કરી શકે છે. મોહમ્મદ શમીની ટીમમાં વાપસી થઇ શકે છે. ઈજાગ્રસ્ત થવાને કારણે શમી ઘણાં સમયથી ટીમથી બહાર ચાલી રહ્યો છે. જો શમીને પ્લેયિંગ-11માં સ્થાન મળશે તો રવિ બિશ્નોઈને આરામ આપવામાં આવી શકે છે.