IND vs ENG : રાજકોટ ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડને મોટો, જેક લીચ સીરિઝમાંથી બહાર
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીના રોજ રમાનાર છે
Image:Twitter |
Jack Leach Ruled Out IND vs ENG Test Series : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાનાર છે. પરંતુ આ મેચ પહેલા ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઇંગ્લેન્ડનો સ્પિનર જેક લીચ ટીમમાંથી બહાર થઇ ગયો છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માહિતી આપતા લખ્યું, “લીચ ભારત સામે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જેથી લીચ ભારત સામેની બાકીની ટેસ્ટ મેચમાંથી બહાર થઇ ગયો છે. લીચ ટૂંક સમયમાં ઘરે જવા માટે રવાના થશે.”
જેક લીચ આખી સીરિઝમાંથી થયો બહાર
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સીરિઝની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાઈ હતી. આ ટેસ્ટ મેચમાં જેક લીચે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે આ મેચમાં 2 વિકેટ ઝડપી હતી. લીચ આ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ફિલ્ડિંગ દરમિયાન તેના ઘૂંટણમાં ઈજા થઇ હતી. આ કારણે તે બીજી ટેસ્ટ રમી શક્યો ન હતો અને હવે તે આખી સીરિઝમાંથી બહાર થઇ ગયો છે.
ઇંગ્લેન્ડ બિનઅનુભવી સ્પિનર્સ પર નિર્ભર રહેશે
લીચના બહાર થવાથી ઇંગ્લેન્ડની ટીમને નુકસાન થશે. ભારતીય પિચો પર સ્પિનર્સ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.લીચ ટૂંક સમયમાં ઘરે જવા માટે રવાના થશે. જો કે ઇંગ્લેન્ડે લીચના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી. લીચની ગેરહાજરીમાં ઇંગ્લેન્ડ હવે બિનઅનુભવી સ્પિન ત્રિપુટી ટોમ હાર્ટલી, રેહાન અહેમદ અને શોએબ બશીર સાથે જો રૂટ પર નિર્ભર રહેશે.