IND vs ENG : રાજકોટ ટેસ્ટમાં બાપુની વાપસી, બે ખેલાડીઓએ પણ કર્યું ડેબ્યુ, ભારતની પહેલા બેટિંગ
ભારતીય ટીમમાં ત્રીજી ટેસ્ટ માટે કુલ ચાર ફેરફાર કરવામાં આવ્યા છે
ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ માટે મુકેશ કુમારને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો
Image:Twitter |
IND vs ENG 3rd Test : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં રમાઈ રહી છે. રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલે આ મેચ દ્વારા ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે. ટેસ્ટની સાથે બંને ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ ડેબ્યુ કરી રહ્યા છે.
જાડેજા અને સિરાજની વાપસી
ભારતીય ટીમમાં ત્રીજી ટેસ્ટ માટે કુલ ચાર ફેરફાર કરવામાં આવ્યા છે. મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાની ભારતીય ટીમમાં વાપસી થઈ છે. જ્યારે અક્ષર પટેલ અને મુકેશ કુમાર બહાર છે. આ સિવાય સરફરાઝ અને ધ્રુવ જુરેલે પણ ડેબ્યુ કર્યું છે.
મુકેશ કુમારને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો
અનિલ કુંબલેએ મુંબઈના સ્ટાર બેટર સરફરાઝ ખાનને ડેબ્યુ કેપ આપી હતી. જયારે દિનેશ કાર્તિકે ધ્રુવ જુરેલને ટેસ્ટ કેપ આપી હતી. રાજકોટમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ માટે મુકેશ કુમારને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. તે રાંચીમાં ભારતીય ટીમમાં જોડાતા પહેલા તેની રણજી ટ્રોફી ટીમ બંગાળમાં જોડાશે.
રાજકોટમાં સ્પિનરોની ભૂમિકા મહત્વપૂર્ણ
બંને ટીમો 1-1 મેચ જીતી બરાબરી પર છે. ઇંગ્લેન્ડે હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ જીતી હતી જયારે ભારતીય ટીમે વિશાખાપટ્ટનમમાં ઇંગ્લેન્ડને હરાવી સીરિઝમાં બરાબરી કરી હતી. રાજકોટની પિચ પર સ્પિનરોને ખુબ જ મદદ મળે છે.
માર્ક વૂડની ટીમમાં વાપસી
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે ગઈકાલે જ રાજકોટમાં રમાનારી ત્રીજી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી હતી. હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ મેચ રમનાર માર્ક વૂડની ટીમમાં વાપસી થઈ છે. વિશાખાપટ્ટનમમાં ડેબ્યુ ટેસ્ટ રમનાર શોએબ બશીરને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. કેપ્ટન બેન સ્ટોક્સ માટે રાજકોટ ટેસ્ટ મેચ ખાસ રહેશે, કારણ કે તે તેની 100મી ટેસ્ટ મેચ છે.
બંને ટીમોના પ્લેઇંગ-11
ભારત
રોહિત શર્મા (C), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (wkt), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ
ઇંગ્લેન્ડ
બેન સ્ટોક્સ (C), ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન ફોક્સ, રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, માર્ક વૂડ, જેમ્સ એન્ડરસન