IND vs ENG : રોહિત શર્માએ તોડ્યો કોહલીનો મોટો રેકોર્ડ, WTCમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બન્યો

વિશાખાપટ્ટનમમાં રમનાર બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ભારતે 396 રન બનાવ્યા હતા

જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ માત્ર 253 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
IND vs ENG : રોહિત શર્માએ તોડ્યો કોહલીનો મોટો રેકોર્ડ, WTCમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બન્યો 1 - image
Image:Twitter

Rohit Sharma Becomes Most Run Scorer For India In WTC History : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. આ મેચની પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમે 396 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ માત્ર 253ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી બેટિંગમાં યશસ્વી જયસ્વાલ અને બોલિંગમાં જસપ્રીત બુમરાહે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ ઇનિંગમાં રોહિત શર્માએ 41 બોલમાં 14 રન બનાવ્યા હતા. તે પછી રોહિત શોએબ બશીરના બોલ પર ઓલી પોપના હાથે કેચ આઉટ થયો હતો. જો કે આ ટૂંકી ઇનિંગ પછી પણ રોહિતે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો અને વિરાટ કોહલીને પાછળ છોડીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો હતો.

રોહિતે વિરાટને છોડ્યો પાછળ

રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં માત્ર 14 રન બનાવ્યા હતા, પરંતુ આ ટૂંકી ઇનિંગ છતાં તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો હતો. અગાઉ વિરાટ કોહલી રોહિત શર્મા કરતાં આગળ હતો, પરંતુ હવે તે બીજા સ્થાને સરકી ગયો છે અને હિટમેન આગળ નીકળી ગયો છે.

રોહિતના નામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 7 સદી

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રોહિત શર્માએ અત્યાર સુધી 29 ટેસ્ટની 49 ઇનિંગ્સમાં 2242 રન બનાવ્યા છે જ્યારે વિરાટ કોહલીએ 36 ટેસ્ટની 60 ઇનિંગમાં 2235 રન બનાવ્યા છે. રોહિત શર્માએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 7 સદી ફટકારી છે, જ્યારે વિરાટ કોહલીના નામે 4 સદી છે. આમાં રોહિત શર્માનો સર્વશ્રેષ્ઠ સ્કોર 212 રન છે, જ્યારે કોહલીનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 254 રન છે.

IND vs ENG : રોહિત શર્માએ તોડ્યો કોહલીનો મોટો રેકોર્ડ, WTCમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બન્યો 2 - image


Google NewsGoogle News