IND vs ENG : વિશાખાપટ્ટનમમાં અશ્વિને રચ્યો ઈતિહાસ, તોડ્યો 45 વર્ષ જૂનો રેકોર્ડ
ભારતે બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 106 રને હરાવ્યું
અશ્વિન અને બુમરાહે 3-3 વિકેટ ઝડપી હતી
Image:Twitter |
Ravichandran Ashwin Record : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 292 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે બીજી ઇનિંગમાં 3 વિકેટ ઝડપી હતી. આ સાથે તેણે 45 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો.
ઈંગ્લેન્ડ વિરુદ્ધ સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર બન્યો
અશ્વિન હવે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. અશ્વિને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 21 ટેસ્ટમાં 97 વિકેટ લીધી છે. આ પહેલા ઈંગ્લેન્ડ સામે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ભાગવત ચંદ્રશેખરના નામે હતો. ચંદ્રશેખરે વર્ષ 1964થી 1979 વચ્ચે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 23 ટેસ્ટમાં 95 વિકેટ લીધી હતી. અશ્વિને તેનો 45 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. અશ્વિને બીજી ટેસ્ટના ત્રીજા દિવસે બેન ડકેટને આઉટ કરીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
ટેસ્ટ ક્રિકેટમાં અશ્વિને ઝડપી 499 વિકેટ
ટેસ્ટ ક્રિકેટમાં અશ્વિનના નામે 499 વિકેટ છે. જો કે તે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં તેની 500મી વિકેટ લેવાનું ચૂકી ગયો હતો. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ બીજી વખત બન્યું છે કે જ્યારે કોઈ બોલરે મેચ પૂરી થયા બાદ 499 વિકેટ ઝડપી હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રા સાથે આવું બન્યું હતું.