IND vs BAN: બીજી T20 મેચમાં ભારતે બાંગ્લાદેશને 86 રનથી હરાવ્યું, ઘરઆંગણે સતત સાતમી સીરિઝમાં મેળવી જીતી
IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલ ત્રણ મેચની T20 સીરિઝ રમાઇ રહી છે. આ દરમિયાન ભારતે બીજી T20 મેચમાં બાંગ્લાદેશને 86 રનથી હરાવી ભવ્ય જીત મેળવી છે. આ સાથે ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને ત્રણમાંથી બે મેચ હરાવી સીરિઝ જીતી લીધી છે. આ મેચમાં ભારત માટે નીતિશ કુમાર રેડ્ડી અને રિંકૂ સિંહે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નીતિશે 74 રન અને રિંકૂએ 53 રન ફટકાર્યા હતા. જે પછી ભારતીય બોલરોએ પણ પોતાની કમાલ બતાવી બાંગ્લાદેશને 135 રન પર અટકાવી દીધી હતી. આ સાથે ભારતે પોતાના ઘરમાં સતત સાતમી સીરિઝમાં જીત મેળવી લીધી છે.
ભારત માટે મુશ્કેલ શરૂઆત
મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શરૂઆતમાં ભારતે 41ના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવતા બાંગ્લાદેશના કેપ્ટન નજમુલ શાંતોનો નિર્ણય ખૂબ જ યોગ્ય પુરવાર થયો હતો. જો કે, નીતિશ કુમાર રેડ્ડી અને રિંકૂ સિંહે માત્ર 48 બોલમાં 108 રન ફટકારી મજબૂત પકડ બનાવી હતી. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ પણ 32 રન બનાવી ભારતના સ્કોરને 221 સુધી પહોંચાડવામાં સારી ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચોઃ ત્રણ ગુજરાતી ખેલાડીઓનો જલવો : ICC રેન્કિંગમાં લેટેસ્ટ યાદી જાહેર, જુઓ કોણ-કોણ સામેલ
ભારતીય બોલરોનું તોફાન
બાંગ્લાદેશની ટીમ જ્યારે 222 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા આવી ત્યારે ભારતીય બોલરોના તોફાન સામે બાંગ્લાદેશી ખેલાડીઓ ટકી શક્યા નહોતા. ભારતીય બોલરોએ માત્ર 46 રનના સ્કોરમાં બાંગ્લાદેશની ચાર વિકેટ ઝડપી લીધી હતી અને બાંગ્લાદેશના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધું હતું. મહમૂદુલ્લાહએ 39 બોલમાં 41 રન બનાવી ટીમ માટે સૌથી વધુ રન ફટકાર્યા હતા. જો કે, અંતમાં બાંગ્લાદેશ ભારત સામે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 135 રનમાં જ સમેટાઇ ગઇ હતી અને ભારતીય ટીમે 86 રનના વિશાળ માર્જિનથી જીત હાંસલ કરી હતી.
પ્રથમ મેચ ભારતે 71 બોલમાં જીતી હતી
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ આ દિવસોમાં ભારતના પ્રવાસે છે, પરંતુ તેને ભારત સામે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ સીરિઝમાં બાંગ્લાદેશને 2-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. આ પછી, T20 સીરિઝમાં પણ ભારતીય ટીમ ક્લીન સ્વીપ કરવા તરફ આગળ વધી રહી છે. બંને ટીમો વચ્ચે સીરિઝની પ્રથમ મેચ 6 ઓક્ટોબરના રોજ ગ્વાલિયરમાં રમાઈ હતી, જેમાં બાંગ્લાદેશની ટીમ પ્રથમ બેટિંગ કરતા 127 રન જ બનાવી શકી હતી. જેના જવાબમાં ભારતીય ટીમે 71 બોલમાં મેચ જીતી લીધી હતી. આમ બાંગ્લાદેશનો માત્ર 11.5 ઓવરમાં 7 વિકેટે પરાજય થયો હતો.
આ પણ વાંચોઃ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને બીજો ઝટકો! શાકિબ અલ હસન બાદ વધુ એક દિગ્ગજ લેશે સંન્યાસ!