IND vs BAN: ભવ્ય જીત સાથે ભારતની શરૂઆત, બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું
India vs Bangladesh: રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025માં જીત સાથે ધમાકેદાર અંદાજમાં શરૂઆત કરી છે. ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં પોતાનો પહેલો મુકાબલો ગુરૂવારે (20 ફેબ્રુઆરી) બાંગ્લાદેશ વિરૂદ્ધ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમ્યો હતો. જે મેચમાં ભારતીય ટીમની 6 વિકેટથી જીત થઈ છે.
બાંગ્લાદેશના બેટર્સનું ફ્લોપ પ્રદર્શન
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો બીજો મુકાબલો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયો હતો. જેમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. જેમાં બાંગ્લાદેશની ટીમ 49.4 ઓવરમાં 228 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. બાંગ્લાદેશ તરફથી તન્ઝીદ હસને 118 બોલમાં 100 રન બનાવીને અને જાકીર અલીએ 114 બોલમાં 68 રન બનાવીને બાંગ્લાદેશને 228 રનના સ્કોર સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ બે બેટર સિવાય બાંગ્લાદેશના તમામ બેટર નિષ્ફળ સાબિત થયા હતા.
શમીએ મચાવ્યો તરખાટ
બાંગ્લાદેશના બેટર્સની આવી સ્થિતિ પાછળ ભારતના સ્ટાર બોલર મોહમ્મદ શમીની આક્રમક બોલિંગ જવાબદાર છે. શમીએ 10 ઓવરમાં માત્ર 53 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આમ ભારતને મળેલી ભવ્ય જીત પાછળ શમીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. શમી સિવાય હર્ષિત રાણાએ 7.4 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ જ્યારે અક્ષર પટેલે 9 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ ઝડપીને ભારતની જીતમાં યોગદાન આપ્યું હતું.
ગિલની તોફાની સદી
બાંગ્લાદેશે આપેલા 229 રનનો ટાર્ગેટને ચેઝ કરતી વખતે ભારતીય ટીમે 46.3 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 231 રન બનાવીને ભવ્ય જીત મેળવી હતી. મેચમાં ભારત તરફથી શુભમન ગિલે તોફાની બેટિંગ કરીને 129 બોલમાં 101 રન બનાવ્યા હતા. ગિલ સિવાય રોહિત શર્માએ 36 બોલમાં 41 રન અને કે.એલ. રાહુલે 47 બોલમાં 41 રન ફટકારીને ભારતને જીત આપવવામાં પોતાનો ફાળો આપ્યો હતો.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની સ્થિતિ મજબૂત
આ ભવ્ય જીત સાથે જ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની સ્થિતિ મજબૂત બની ગઇ છે. ભારતને હવે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત બનાવવા ગ્રુપ મેચમાં માત્ર એક જીતની જરૂર છે. આમ જો ભારતીય ટીમ હવે ગ્રુપ સ્ટેજમાં તેની બાકીની બે મેચમાં પાકિસ્તાન કે ન્યૂઝીલેન્ડને હરાવે છે તો સેમિફાઇનલમાં ભારતનું સ્થાન નક્કી થઇ જશે. નોંધનીય છે કે, ભારતીય ટીમ 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે જ્યારે 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે.
ભારતની પ્લેઇંગ-11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, હર્ષિત રાણા.
બાંગ્લાદેશની પ્લેઇંગ-11: તંજીદ હસન, સૌમ્ય સરકાર, નજમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તૌહીદ હૃદયોય, મુશફિકુર રહીમ (વિકેટકીપર), જાકીર અલી, મહેદી હસન મિરાઝ, રિશાદ હુસૈન, તસ્કિન અહેમદ, તંજીમ હસન સાકિબ, મુસ્તફિઝુર રહેમાન.