IND vs BAN : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી મેચ થશે રદ? જાણો શા માટે ઉઠી રહ્યા છે સવાલ
IND vs BAN Cricket Match: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલ બે મેચની ટેસ્ટ સીરિઝ રમાઇ રહી છે. આ સીરિઝ બાદ બંને ટીમો ટી-20 મેચ રમવાની છે, પરંતુ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના લોકો પર અત્યાચારના વિરોધમાં હિન્દુ મહાસભાએ આગામી મહિને યોજાનારી ભારત-બાંગ્લાદેશ ક્રિકેટ મેચનો વિરોધ કરવા માટે છઠ્ઠી ઓક્ટોબરે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બંધનું એલાન કર્યું છે. નોંધનીય છે કે, બંને દેશોની ટીમો વચ્ચે ટી-20 મેચ છઠ્ઠી ઓક્ટોબરે ગ્વાલિયરમાં જ યોજાવાની છે. હિન્દુ મહાસભાના આ એલાન બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટી-20 મેચ સુરક્ષા હેતુસર રદ થઇ જશે તેવી અટકળોએ જોર પકડ્યું છે.
મેચના દિવસે ગ્વાલિયર બંધનું એલાન
હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, 'હિન્દુ મહાસભા છઠ્ઠી ઓક્ટોબરે ગ્વાલિયરમાં યોજાનારી ભારત-બાંગ્લાદેશ મેચનો વિરોધ કરી રહી છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર હજુ પણ ચાલુ છે અને આવી સ્થિતિમાં બાંગ્લાદેશ સાથે ક્રિકેટ રમવું યોગ્ય નથી. સંગઠને મેચના દિવસે ગ્વાલિયર બંધનું આહ્વાન કર્યું છે પરંતુ આવશ્યક વસ્તુઓ પર કોઇ પ્રતિબંધ રહેશે નહીં.'
આ પણ વાંચોઃ હું કોહલીના બેટથી ક્યારેય નહીં રમું: વિરાટે આપેલી ભેટ મુદ્દે આકાશદીપે કેમ કહ્યું આવું?
ટેસ્ટ મેચ માટે કડક સુરક્ષા વ્યવસ્થા
નોંધનીય છે કે, 27 સપ્ટેમ્બરે કાનપુરના 'ઇન્ટરનેશનલ ગ્રીન પાર્ક સ્ટેડિયમ' માં ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સીરિઝની બીજી મેચ રમાવાની છે. બીજી બાજુ, આ મેચનો વિરોધ કરવા અખિલ ભારતીય હિન્દુ મહાસભાના સભ્યોએ સ્ટેડિયમની સામે હવન કર્યો હતો. આ ઘટના બાદ પોલીસે રસ્તો બંધ કરવા અને ટ્રાફિક અવરોધવાના આરોપસર સંગઠનના 20 સભ્યો વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. આ ઉપરાંત વર્તમાન સ્થિતિને ધ્યાને લઇ મેચ માટે કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
આજે બંને દેશોની ટીમો કાનપુર પહોંચશે
પોલીસના જણાવ્યા અનુસાર, 'ભારત અને બાંગ્લાદેશની ક્રિકેટ ટીમો આજે (24 સપ્ટેમ્બર) સાંજ સુધી કાનપુર પહોંચવાની સંભાવના છે. ત્યારે ખેલાડીઓ માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉપરાંત સિનિયર અધિકારીઓ સહિત વધારાના પોલીસ બળની માંગ પણ કરવામાં આવી છે. હાલ અમે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે તંત્ર દ્વારા અમને પર્યાપ્ત પોલીસ બળ મળી જશે.'