હાર્દિક પંડ્યા રચશે ઈતિહાસ! બાંગ્લાદેશ સામેની મેચમાં આ મહારેકોર્ડ તોડવાની સોનેરી તક
IND vs BAN: ભારત ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને કારમી હાર આપ્યા બાદ હવે તેની સાથે 3 મેચની T20I સીરિઝ રમશે. આ સીરિઝની પ્રથમ મેચ રવિવારે (6 ઓક્ટોબર) ગ્વાલિયરમાં રમાશે. T20 વર્લ્ડ કપ 2024 બાદ ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પાંડ્યા ફરી એકવાર બાંગ્લાદેશ સામે રમતા જોવા મળશે. આ સીરિઝ દરમિયાન હાર્દિકને યુઝવેન્દ્ર ચહલનો રેકોર્ડ તોડવા માત્ર ચાર વિકેટની જરૂર છે. આમ તેની પાસે એક નવી સિદ્ધિ હાંસલ કરવાની મોટી તક છે.
ચહલનો રેકોર્ડ તોડવાની નજીક
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પાંડ્યા બાંગ્લાદેશ સામેની 3 મેચની T20I સીરિઝ દરમિયાન ચહલનો રેકોર્ડ તોડી શકે છે અને આ માટે તેને માત્ર ચાર વિકેટની જરૂર છે. હકિકતમાં યુઝવેન્દ્ર ચહલ એવો બોલર છે જેણે ટી-20 ફોર્મેટમાં બાંગ્લાદેશ સામે ભારત તરફથી સૌથી વધુ વિકેટ લીધી છે. ચહલે બાંગ્લાદેશ સામે ટી20માં કુલ 9 વિકેટ લીધી છે, જ્યારે હાર્દિક પાંડ્યાએ કુલ 6 વિકેટ લીધી છે. હવે આ સીરિઝમાં પાંડ્યા 4 વિકેટ લઈને ચહલને પાછળ છોડી શકે છે અને બાંગ્લાદેશ સામેની T20Iમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની શકે છે.
T20Iમાં બાંગ્લાદેશ સામે સૌથી વધુ વિકેટ લેનારા બોલર
યુઝવેન્દ્ર ચહલ - 9 વિકેટ
દીપક ચહર- 8 વિકેટ
વોશિંગ્ટન સુંદર - 7 વિકેટ
રવિચંદ્રન અશ્વિન- 6 વિકેટ
હાર્દિક પાંડ્યા - 6 વિકેટ
T20Iમાં હાર્દિકની કુલ 86 વિકેટ
આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં હાર્દિક પાંડ્યાના નામે હાલમાં 86 વિકેટ છે. જો તે સિરીઝમાં વધુ 5 વિકેટ લે છે તો તેના નામે 91 વિકેટ થઈ જશે. આ પછી, તે ભુવનેશ્વર કુમારને પાછળ છોડી દેશે અને પાંડ્યા જો કોઈક રીતે સીરિઝમાં 11 વિકેટ લેવામાં સફળ થાય છે, તો તે યુઝવેન્દ્ર ચહલને પાછળ છોડીને T20I માં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની શકે છે.
T20Iમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલર
યુઝવેન્દ્ર ચહલ - 96 વિકેટ
ભુવનેશ્વર કુમાર - 90 વિકેટ
જસપ્રીત બુમરાહ- 89 વિકેટ
હાર્દિક પંડ્યા- 86 વિકેટ
અર્શદીપ સિંહ- 83 વિકેટ