ભારતના દમદાર સ્પિનરનું દર્દ છલકાયું, કહ્યું - મારે રમવાની ઘણી ઈચ્છા હતી પણ ડ્રિંક્સ લઇને જવું પડ્યું

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
ભારતના દમદાર સ્પિનરનું દર્દ છલકાયું, કહ્યું - મારે રમવાની ઘણી ઈચ્છા હતી પણ ડ્રિંક્સ લઇને જવું પડ્યું 1 - image
Image Twitter 




Kuldeep Yadav in T20 World Cup: T20 ક્રિકેટમાં કુલદીપ યાદવ ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં માને છે અને આ આક્રમક વલણથી ભારતનો આ સ્પિનર T20 વર્લ્ડ કપ 2024માં અભૂતપૂર્વ સફળતા મેળવી છે. વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ આ ટુર્નામેન્ટના સંયુક્ત યજમાન છે. છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયથી દરેક ફોર્મેટમાં ભારતના સર્વશ્રેષ્ઠ સ્પિનર ​​કુલદીપને યુએસમાં લીગ સ્ટેજમાં બહાર રહેવું પડ્યું છે. જો કે વેસ્ટ ઈન્ડિઝની સ્પિનરોની પિચ પર તેની બોલિંગ સારી સાબિત થઈ છે. તેણે બે મેચોમાં પાંચ વિકેટ લીધી છે, જેમાં શનિવારે બાંગ્લાદેશ સામે મળેલી ત્રણ વિકેટ પણ સામેલ છે.

મને આઈપીએલમાં તેની મદદ મળી હતી

કુલદીપની સફળતાનું એક કારણ તેની બોલિંગમાં રહેલી આક્રમકતા છે. તેણે કહ્યું કે, ‘હું બોલિંગ વખતે હંમેશા મારી ઊંચાઈનો લાભ લઉં છું. વિશ્વના કોઈપણ સ્પિનર ​​માટે હાઈટ ખૂબ જ મહત્ત્વની છે. આ ફોર્મેટમાં તમારે અનુમાન લગાવવાનું હોય છે કે, બેટર શું વિચારી રહ્યો છે. તેના માટે ખૂબ આક્રમક થવું પડે છે. મને IPL અને હવે T20 વર્લ્ડ કપમાં પણ તેમની મદદ મળી હતી.‘ હવે સોમવારે તેને ઓસ્ટ્રેલિયા સામે સૌથી કઠિન પરીક્ષામાંથી પસાર થવાનું છે.

તો તમારી પાસે વ્યૂહરચના હોવી જોઈએ

જ્યારે બેટર ચોગ્ગા અને છગ્ગા ફટકારવાની ફિરાકમાં હોય છે, ત્યારે તમારી વ્યૂહનીતિ પર કેવી રીતે વળગી રહો છો. આ સવાલનો જવાબ આપતા તેણે કહ્યું કે, ‘જ્યારે સામેની ટીમને એક ઓવરમાં 10 કે 12 રનની જરૂર હોય અને બેટર તમારા બોલને ફટકારવા માટે આતુર હોય, ત્યારે માત્ર લેન્થ જાળવવી મહત્ત્વની છે. આ ઉપરાંત જ્યારે તે બોલરોને ઝૂડી નાંખવાનો પ્રયાસ કરે, ત્યારે તમારી પાસે વ્યૂહરચના હોવી જોઈએ. આ સ્થિતિમાં વિકેટ લેવાની શક્યતા વધુ હોય છે.’ 

હું અમેરિકામાં રમવા માંગતો હતો

આ દરમિયાન કુલદીપે સંકેત આપ્યો કે ‘મને વેસ્ટ ઈન્ડિઝમાં ટીમ કોમ્બિનેશન વિશે જાણ કરાઈ હતી. હું અમેરિકામાં રમ્યો નથી, ત્યાં હું 12મો ખેલાડી હતો. મારે રમવું હતું પણ ડ્રિંક્સ લઈને જતો હતો. હું પણ ત્યાં બોલિંગ કરવા માંગતો હતો. ત્યાં પણ ઓસ્ટ્રેલિયા જેવી વિકેટ હતી. 2017માં પણ મેં ત્યાં T20 અને વન-ડેમાં ડેબ્યુ કર્યું હતું અને મને પરિસ્થિતિની ખબર હતી. સ્પિનર ​​માટે અહીં બોલિંગ કરવી સારો અનુભવ છે.’


Google NewsGoogle News