IND vs BAN: ટીમ ઈન્ડિયામાં 3 દિગ્ગજોને ફરી ન મળી તક, શું હવે રિટાયરમેન્ટનો જ વિકલ્પ રહ્યો?
IND vs BAN: જ્યારથી બાંગ્લાદેશ સાથે યોજાનારી ટેસ્ટ સિરીઝને લઈને ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ છે, ત્યારથી ઘણા ખેલાડીઓને લઈને ચાહકોના મનમાં ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ટેસ્ટ ટીમમાં ઘણા યુવા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ટીમ ઈન્ડિયાના 3 દિગ્ગજ ખેલાડીઓ એવા છે જેમને સેલેકટર્સે અવગણી કાઢ્યા છે. લગભગ છેલ્લા 2 વર્ષથી આ ત્રણેય ખેલાડીઓને ટીમ ઈન્ડિયા તરફથી રમવાની તક મળી નથી. જે બાદ લાગે છે કે, હવે આ ત્રણ ખેલાડીઓ માટે ભારતીય ટીમના દરવાજા હંમેશા માટે બંધ થઈ ગયા છે.
1. ચેતેશ્વર પૂજારા
ચેતેશ્વર પુજારાએ ભારત માટે તેની છેલ્લી ટેસ્ટ મેચ 7 જૂન 2023ના રોજ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. આ મેચમાં પૂજારાનું પ્રદર્શન એટલું ખાસ નહોતું રહ્યું. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ક્રિકેટનો મહાન ખેલાડી માનવામાં આવે છે. પૂજારાએ પ્રથમ દાવમાં 14 અને બીજી ઇનિંગમાં 27 રન બનાવ્યા હતા. આ પછી તેને ટીમ ઈન્ડિયા તરફથી રમવાની તક ન મળી.
2. અજિંક્ય રહાણે
અજિંક્ય રહાણે લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે. રહાણેએ તેની છેલ્લી મેચ 20 જુલાઈ 2023ના રોજ રમી હતી. રહાણે આ મેચની પ્રથમ ઇનિંગમાં માત્ર 8 રન જ બનાવી શક્યો હતો. જ્યારે રહાણેને બીજી ઇનિંગમાં બેટિંગ કરવાની તક મળી ન હતી. ત્યારથી રહાણેને ટીમ ઈન્ડિયા તરફથી રમવાની તક મળી નથી.
3. મયંક અગ્રવાલ
મયંક અગ્રવાલ આ દિવસોમાં દુલીપ ટ્રોફી 2024માં રમી રહ્યો છે. પહેલી જ મેચમાં મયંકનો ફ્લોપ શો જોવા મળ્યો હતો. મયંકે 12 માર્ચ 2022ના રોજ ભારત માટે તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. શ્રીલંકા સામે રમતી વખતે મયંકે પ્રથમ દાવમાં 4 અને બીજી ઈનિંગમાં 22 રન બનાવ્યા હતા. ત્યારથી મયંક ટીમ ઈન્ડિયાની બહાર છે.